શહેરના હરિનગર-2 વિસ્તારમાં રહેતી 24 વર્ષીય સોનાબેન ધવલભાઈ નામની પરિણીતાએ સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પરિણીતાએ તેના પતિ ધવલ, સસરા હિતેશભાઈ,સાસુ ગીતાબેન અને દાદા સસરા વિઠ્ઠલભાઇ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ,સોનાબેન નામની યુવતીએ દોઢ વર્ષ પૂર્વે ધવલ બ્રહ્માણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના શરૂૂઆતના છ મહિના બધું બરાબર ચાલ્યા બાદ, સોનાબેને ખાનગી નોકરી શરૂૂ કરતા વિવાદના વંટોળ શરૂૂ થયા હતા.નોકરીને કારણે ઘરકામમાં સમય ન આપી શકતી હોવાથી સસરા હિતેશભાઈ અને દાદા સસરા વિઠ્ઠલભાઈ નાની-નાની વાતોમાં ટોકટોક કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર, જ્યારે પરિણીતાએ આ બાબતે પતિ ધવલને વાત કરી, ત્યારે તેણે સાથ આપવાને બદલે ઘરના વડીલોનું સહન કરવું પડશે તેમ કહી પત્ની સાથે મારપીટ કરી હતી. સાસુ ગીતાબેન પણ પતિને પત્ની વિરુદ્ધ ચડામણી કરતા હોવાથી ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આ ત્રાસથી કંટાળીને સોનાબેન ગત 20 ફેબ્રુઆરીના રોજ પોતાનું સાસરું છોડીને બહેન મનીષાબેનના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા.
બહેનના ઘરે ગયા બાદ 20 દિવસ સુધી સાસરી પક્ષમાંથી કોઈ તેડવા કે ફોન કરવા ન આવતા સોનાબેન માનસિક રીતે ભાંગી પડ્યા હતા. આ આઘાતમાં તેમણે ગત 16 માર્ચના રોજ બપોરે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, પરિણીતાએ ફરીથી સમાધાનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ તેને સ્વીકારવાની ના પાડી દેતા અંતે સોનાબેને પોતાની બહેન અને બનેવી સાથે પોલીસ મથકે પહોંચી પતિ ધવલ, સસરા હિતેશભાઈ, સાસુ ગીતાબેન અને દાદાજી સસરા વિઠ્ઠલભાઈ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
