ખીજડિયા ગામના ખેડૂતે ભાઇની જમીન ખરીદવા જમીન ગીરવે મૂકી, વ્યાજખોરોએ દસ્તાવેજ કરાવી બારોબાર વેંચી નાખી
સ્વામિનારાયણ ગુરુકુળ રોડ સોરઠિયા પાર્કમાં રહેતા ખેડૂતની ભાયું ભાગની જમીન ખરીદવા બે વ્યાજખોરો પાસ થી જમીન ગીરવે મૂકી દસ્તાવેજ કરી વ્યાજે લીધેલા રૂૂ.1.61 કરોડ જેટલી રકમ સમય આવ્યે ચૂકતે કરવા જતા બન્ને વ્યાજખોરોએ આ જમીન બારોબાર વેચી નાખી જમીન પરત જોઈતી હોય તો 3 કરોડની માંગ કરતા આ મામલે ખેડૂતે પોલીસ કમિશ્નર સમક્ષ અરજી કરી મદદ માટે ગુહાર લગાવી છે.
મળતી વિગતો મુજબ, સ્વામિનારાયણ ગુરુકુળ રોડ પર સોરઠિયા પાર્કમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા રમેશભાઈ અરજણભાઈ પરબતાણીએ આ અંગે લેખિત ફરિયાદ કરી છે. રમેશભાઈને રાજકોટ તાલુકાના ખીજડીયા ગામે આવેલી તેમની વડીલોપાર્જિત સંયુક્ત જમીન (રે.સ.નં. 6 પૈકી 2 પૈકી 1) પોતાના અન્ય ભાઈઓ પાસેથી ખરીદવી હતી. આ માટે તેમને મોટી રકમની જરૂૂર હોવાથી તેમણે રઘુભાઈ દાનાભાઈ કુકડિયા (રહે. ભગવતીપરા) અને ભરતભાઈ નાથાભાઈ સોરાણી (રહે. મયુરનગર) નો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ રમેશભાઈને 1 ટકા વ્યાજે રૂૂ. 1.61 કરોડ રોકડા આપવાનું નક્કી કર્યું હતું.
જોકે, શરત એવી રાખવામાં આવી હતી કે સિક્યોરિટી પેટે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ આરોપીના નામે કરી આપવો પડશે અને જ્યારે નાણાં પરત થાય ત્યારે જમીન પરત કરી દેવાશે. આ શરત મુજબ ગત તા. 12/08/2024 ના રોજ રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તા. 20/08/2024 ના રોજ 300 રૂૂપિયાના સ્ટેમ્પ પેપર પર આ અંગેનો સમજૂતી કરાર (નોટરી) પણ કરવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદી રમેશભાઈ વ્યાજે લીધેલી રકમ પરત કરવા ગયા ત્યારે તેમને મોટો ઝટકો લાગ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી રઘુભાઈ કુકડિયાએ રમેશભાઈની જાણ બહાર જ આ જમીન બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે બીજા આરોપી ભરતભાઈ સોરાણીના ભાઈ અજયભાઈ નાથાભાઈ સોરાણીના નામે વેચી નાખી હતી. આમ, આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચીને ફરિયાદીની જમીન હડપી લીધી હતી. જ્યારે ફરિયાદીએ પોતાની જમીન પરત માંગી ત્યારે આરોપીઓએ અસલી રંગ બતાવ્યો હતો.
આરોપીઓએ જણાવ્યું કે, “જો જમીન પરત જોઈતી હોય તો વ્યાજ દર 1 ટકાથી વધારીને 3 ટકા લેખે ગણીને કુલ 3 કરોડ રૂૂપિયા આપવા પડશે.” એટલું જ નહીં, રમેશભાઈ જ્યારે સમજાવવા ગયા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈને ગેરવર્તન કર્યું હતું અને ધમકી આપતા કહ્યું હતું કે, “તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડ, મારે રાજકારણમાં ઉપર સુધી પહોંચ છે. પોલીસ પણ મારું કાંઈ બગાડી શકશે નહીં. હવે તારી આ જમીન ભૂલી જા.” ફરિયાદી રમેશભાઈએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે આ ખેતીની જમીન જ તેમની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત છે. વ્યાજખોરોએ મિલીભગત કરી મોટું આર્થિક કૌભાંડ આચર્યું છે. હાલ પોલીસે આ અરજીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં ભૂમાફિયાઓ અને વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે આ હાઈપ્રોફાઈલ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
