ઉનાની ખાપટ પ્રા.શાળામાં છાત્રાઓના ચારિત્ર્ય પર આક્ષેપ બદલ હોબાળો

વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કરતા તંત્ર દોડતુ થયું: વિવાદિત શિક્ષિકાની તાત્કાલિક બદલી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષિકાની અશોભનીય વર્તણૂકને કારણે…

વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કરતા તંત્ર દોડતુ થયું: વિવાદિત શિક્ષિકાની તાત્કાલિક બદલી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષિકાની અશોભનીય વર્તણૂકને કારણે મોટો વિવાદ સર્જાયો છે. ધોરણ-7ની વિદ્યાર્થિનીઓના ચારિત્ર્ય પર અભદ્ર આક્ષેપો કરવાના મામલે રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. સતત વધતા જનરોષ અને વિદ્યાર્થીઓની ગેરહાજરીને પગલે શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી વિવાદિત શિક્ષિકાની બદલી મેણ પ્રાથમિક શાળામાં કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષિકા લલિતાબેન વંશે ગત શુક્રવારે ધોરણ-7માં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થિનીઓ પર અત્યંત ગંભીર અને મર્યાદા બહારના ચારિત્ર્યલક્ષી આક્ષેપો કર્યા હતા. શિક્ષિકાના આવા વર્તનથી ડરી ગયેલી વિદ્યાર્થિનીઓએ રડતા રડતા ઘરે જઈ વાલીઓને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

સોમવારે સવારે વાલીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાએ ઉમટી પડ્યા હતા. વાલીઓએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યાં સુધી આ શિક્ષિકાને શાળામાંથી દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે બાળકોને શાળાએ મોકલીશું નહીં.” સોમવારે તમામ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કેળવણી નિરીક્ષક હસમુખભાઈ વાઢેર, ભૂપતભાઈ મેવાડા તેમજ અન્ય શાળાઓના આચાર્યોની ટીમ તપાસ અર્થે ખાપટ પહોંચી હતી. જોકે, વિવાદિત શિક્ષિકા લલિતાબેન વંશ રજા પર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ અધિકારીઓએ પીડિત વિદ્યાર્થિનીઓના નિવેદન વીડિયોગ્રાફી સાથે નોંધ્યા હતા.

વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે લાંબી બેઠક ચાલી હતી. વાલીઓ પોતાની માગ પર અડગ રહેતા અંતે વહીવટી તંત્ર દ્વારા શિક્ષિકાની મેણ પ્રાથમિક શાળામાં બદલી કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય બાદ મામલો શાંત પડ્યો છે અને હવે શાળામાં શૈક્ષણિક કાર્ય પુન: શરૂૂ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ શિક્ષિકા અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યા છે. થોડા સમય પૂર્વે ધોરણ-6ના એક વિદ્યાર્થીને ફૂટપટ્ટી વડે આંખના ભાગે માર મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી, જે અંગે પણ તેમની સામે રજૂઆતો થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *