ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા, સરકારી ફરજમાં રૂૂકાવટ કરનાર અને કર્મચારીઓને ધમકી આપનાર આરોપી પ્રતાપ ઉર્ફે લાલો આપાભાઇ બોરીચા (રહે. થાનગઢ) હાલ રે. રાજકોટ વાળાને લીંબડી સબ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
ગત તારીખ 24/12/2025 ના રોજ ચોટીલા મામલતદાર કચેરીનો સ્ટાફ તપાસની કામગીરીમાં હતો. તે દરમિયાન આરોપી પ્રતાપ ઉર્ફે લાલો બોરીચા ગેરકાયદેસર ખનિજ ચોરીના હેતુથી સ્ટાફની રેકી (દેખરેખ) કરી રહ્યો હતો. જ્યારે કર્મચારીઓએ તેને અટકાવ્યો, ત્યારે આરોપીએ નમ્રતા દાખવવાને બદલે કર્મચારીઓ સાથે લપાઝપી કરી, માથાકૂટ કરી અને ગર્ભિત ધમકીઓ આપી હતી.
આ ગંભીર ઘટનાને પગલે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તારીખ 26/12/2025 ના રોજ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા વોરંટની અમલવારી કરી આરોપીને આજ રોજ (13/03/2026) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટનો નિર્ણય અને જેલવાસ ગુનાની કબૂલાત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 135 (1) મુજબ આરોપીને હુકમ વાંચી સંભળાવતા તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
જામીનની શરત મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી કર્મચારી વર્ગ-3 ના રૂૂ. 50,000/- ના જામીન રજૂ કરવા આદેશ કરાયો હતો. જેલ હવાલે આરોપી માંગ્યા મુજબના જામીન રજૂ કરવામાં નિષ્ફળ રહેતા, નાયબ કલેક્ટર દ્વારા જેલ વોરંટ ભરી થાનગઢ પોલીસના એ.એસ.આઇ. એ.સી. ચાવડા મારફતે આરોપીને લીંબડી સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરનારા અને ખનિજ ચોરી જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
