ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની તરફેણ કરી વીડિયો બનાવી વાયરલ કરનાર શખ્સ સામે રૂા.1.50 લાખની ચોરીની પણ ફરિયાદ
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની તરફેણ કરી તદ્દન અભદ્ર ભાષામાં વીડિયો બનાવી ગુજરાતના ગૃહમંત્રીને ગાળો ભાંડી ખૂનની ધમકી આપી વિડીયો વાયરલ કરનાર કોઠારીયા સોલવંટના રસુલપરામાં રહેતા શખ્સ સામે રસુલપરામાં હુસેની ચોકમાં રહેતા યુવાનના ઘરમાંથી મિત્રએ જ રૂૂ.1.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાયા બાદ આ બે બનાવમાં સડોવાયેલ ટપોરીને હૈદરાબાદથી ઝડપી લેવામ આવ્યો હતો. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇની તરફેણ કરી અત્યંત અભદ્ર ભાષામાં આ વિડીયો બનાવી તેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી વિશે બેફામ ટિપ્પણી કરી હતી. તેણે ગૃહમંત્રી હર્ષ સંધવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી.
આ વિડીયો અંગે સ્ટેટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી તપાસ કરતા આ વિડીયો કોઠારિયા વિસ્તારના રસૂલપરામાં રહેતા આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢા નામના શખસે બનાવી બેફામ વાણી વિલાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે રાજકોટ પોલીસને પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી. ખાખીનો સહેજ પણ ખૌફ ન હોય તેવી રીતે વીડિયો બનાવી બેફામ વાણી વિલાસ કરતા શખસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી હતી. આ મામલે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજ તરફ વિડીયો બનાવનાર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢા સામે ચોરીની ફરિયાદ પણ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી.
રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, આશરે દસેક મહિના પહેલા તેના દાદાનું મકાન હિરાસર ગામ પાસે આવેલું હોય એરપોર્ટની જગ્યામાં આ મકાન કપાતમાં જતા સરકાર તરફથી રૂૂપિયા 9.11 લાખ વળતર ચૂકવવામાં આવ્યું હતું. જે રકમમાંથી યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી. જે રકમ પૈકી રૂૂપિયા દોઢ લાખ યુવાનના પિતાએ રસુલપરામાં આવેલ ઘરે કબાટમાં તિજોરીમાં રાખ્યા હતા.તે રકમ તેનો મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાએ ચોરી લીધી હતી. ચોરી કર્યા બાદ આશિફે ઇન્સ્ટાગ્રામમાંથી કોલ કરી યુવાનને કહ્યું હતું કે, મારે રૂૂપિયાની જરૂૂર હોય માટે તારા ઘરેથી પૈસા લઈ ગયો છું. બાદમાં તેણે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય અને પૈસા ચૂકવી દેશે તેવું જણાવતા યુવાને આ અંગે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં રૂૂપિયા પરત ન આપતા અંતે યુવાને મિત્ર વિરુદ્ધ ચોરીની આ ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે પણ તપાસ શરુ કરી હોય ગુજરાતના ગૃહમંત્રીને ગાળો ભાંડી ખૂનની ધમકી આપી વિડીયો વાયરલ કરનાર કોઠારીયા સોલવંટના રસુલપરામાં રહેતા આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાને હૈદરાબાદથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી સી.એમ.પટેલની સુચના અને સાયબર ક્રાઈમના પી.આઈ જે.એમ કૈલા,પી.આઈ એસ.ડી.ગીલવાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ તથા સાયબર સેન્ટીનલ લેબની મદદથી આરોપીની ધરપકડ કરી હતી.
