ગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી

પ્રેમીની ધરપકડ, પ્રેમિકાએ અન્ય પુરુષો સાથે મૈત્રી કરાર રાખતી હોવાની શંકા હતી અંજારના ચંદિયામાં પ્રેમિકાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી,…

પ્રેમીની ધરપકડ, પ્રેમિકાએ અન્ય પુરુષો સાથે મૈત્રી કરાર રાખતી હોવાની શંકા હતી

અંજારના ચંદિયામાં પ્રેમિકાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ગાંધીધામમાં પણ આવી જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી હોટેલ મહાદેવમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાના ચરિત્ર પર શંકા રાખી રૂૂમમાં જ ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી. પોલીસે ખૂની પ્રેમીને ગણતરીના કલાકોમાં કોલ ડીટેઇલ અને હોટલમાંથી મળેલી માહિતીના આધારે પકડી લીધો હતો.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ,શનિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં સુંદરપુરી રહેતો દિલીપ રેવાભાઈ રાઠોડ અને ભાવના જેઠાભાઈ લોંચા બન્ને હોટેલ મહાદેવમાં રોકાયા હતા. સાંજે 4:30 વાગ્યે દિલીપ ઉતાવળે હોટેલમાંથી એકલો નીકળી ગયો હતો. સ્ટાફને શંકા જતાં 6:30 વાગ્યે રૂૂમ તપાસતા અંદર ભાવનાનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરાઇ હતી.

એ-ડિવિઝન પોલીસે લાશને પીએમ માટે મોકલી હતી, જેમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દિલીપે કબૂલાત કરી હતી કે, ભાવના અન્ય પુરુષો સાથે પણ મૈત્રી સંબંધો રાખતી હોવાની તેને શંકા હતી. આ બાબતે બંને વચ્ચે રૂૂમમાં ઉગ્ર દલીલો થઈ હતી અને આવેશમાં આવી જઈ દિલીપે ભાવનાનું ગળું દબાવી દીધું હતું.

માથક રહેતા મૃતકની માતા મોઘીબેને એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારી દીકરી ભાવના અમારા કહ્યામાં નહોતી, એટલે અમે તેના ઘરે આવતા-જતા નહોતા. રાત્રે પોલીસે આવીને ફોટો બતાવ્યો ત્યારે જ અમને આ કરુણ ઘટનાની જાણ થઈ. રામબાગ હોસ્પિટલમાં તેની લાશ જોઈ ત્યારે કાળજું કંપી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *