રાજુલાના ભેરાઇ ચોકડી નજીક રિક્ષા પલટી જતા આઠ મુસાફરો ઇજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભેરાઇ ચોકડી નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રિક્ષાની બ્રેક ફેલ થતાં રિક્ષા અચાનક બેકાબૂ બની પલટી…

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભેરાઇ ચોકડી નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રિક્ષાની બ્રેક ફેલ થતાં રિક્ષા અચાનક બેકાબૂ બની પલટી મારી હતી, જેના પરિણામે તેમાં મુસાફરી કરી રહેલા કુલ 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્ત તમામ મુસાફરો શિયાળબેટ ગામના હોવા સાથે મજૂર વર્ગના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમની એમ્બ્યુલન્સ પણ સેવા માટે તાત્કાલિક મુકાઈ હતી. રાજુલા સિવિલ હોસ્પિટલમાં 6 ડોક્ટર, 5 નર્સિંગ સ્ટાફ તેમજ ક્લાસ-4ના તમામ કર્મચારીઓ ખડે પગે રહી સારવાર માટે તત્પર રહ્યા હતા.

ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને રાજુલા, જાફરાબાદ અને ખાંભાની 108 એમ્બ્યુલન્સ તેમજ ધારાસભ્યની એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર, મહુવા અને અમરેલી જેવી મોટી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતની ગંભીરતા એટલી વધારે હતી કે વિસ્તારમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સ પણ ઓછી પડી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં ભાવિબેન હાજીભાઈ શિયાળ (ઉંમર 70, રાજુલા), વિષ્ણુભાઈ રાહાભાઈ શિયાળ (ઉંમર 21, શિયાળબેટ), રાહુલભાઈ મનુભાઈ સોલંકી (ઉંમર 20, વિક્ટર), વિષ્ણુભાઈ રામભાઈ શિયાળ (ઉંમર 21, શિયાળબેટ), શામજીભાઈ નાનજીભાઈ બાંભણિયા (ઉંમર 32, રાજુલા), જયશ્રીબેન ભીખાભાઈ મકવાણા (ઉંમર 25, શિયાળબેટ), સંગીતાબેન રામભાઈ (ઉંમર 23) અને જેઠીબેન શામજીભાઈ (ઉંમર 30, શિયાળબેટ)નો સમાવેશ થાય છે. સ્થાનિક તંત્ર દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *