જૂનાગઢ મનપાનું બજેટ વિપક્ષના હોબાળા વચ્ચે સામાન્ય સભામાં મંજૂર

વેરા ફેકટરનો કરબોજ યથાવત, રૂા.1491.73 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી મેયરની ગેરહાજરીનો વિરોધ, ડે.મેયર બજેટથી અજાણ હોવાનો વિપક્ષનો આક્ષેપ જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ…

વેરા ફેકટરનો કરબોજ યથાવત, રૂા.1491.73 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી

મેયરની ગેરહાજરીનો વિરોધ, ડે.મેયર બજેટથી અજાણ હોવાનો વિપક્ષનો આક્ષેપ

જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવા માટે આજે બજેટ બોર્ડ અને જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક શરૂૂઆતથી જ વિવાદોના વમળમાં રહી હતી. શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ધર્મેશ પોશીયા ગેરહાજર રહેતા ડેપ્યુટી મેયર આકાશ કટારાની અધ્યક્ષતામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેની સામે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવી મેયરની હાજરીનો આગ્રહ રાખ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે વિપક્ષી સભ્યોએ તેને જૂનાગઢની જનતા સાથેનું છેતરપિંડી ગણાવી ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં મીડિયા સામે જ્યારે ડેપ્યુટી મેયર આકાશ કટારાને બજેટની માહિતી મૌખિક યાદ ન રહેતા સામે સ્ટેન્ડિંગ કમિટીના પીએને કાગળમાં લખાણ લખી ઊભા રહેવું પડ્યું હતું. ત્યાર બાદ ડે.મેયરે આ બજેટની માહિતી વાંચવાની ફરજ પડી હતી.

ડેપ્યુટી મેયર આકાશ કટારાએ ₹1491.73 કરોડનું બજેટ રજૂ કરતા દાવો કર્યો હતો કે, આ બજેટ જૂનાગઢને વિકાસ પથ પર અગ્રેસર રાખનારું અને વાસ્તવિકતાથી ભરેલું છે. તેમણે જણાવ્યું કે મનપાના સુચારુ સંચાલન માટે માત્ર ભારાંકમાં નજીવો વધારો કરી જનતા પર મોટો કરબોજ ટાળવાનો પ્રયાસ કરાયો છે. જોકે, જ્યારે વિપક્ષે કેગ (ઈઅૠ) ના નેગેટિવ રિપોર્ટ અંગે સવાલ પૂછ્યો, ત્યારે ડેપ્યુટી મેયરે પોતે હજુ આ રિપોર્ટ વાંચ્યો ન હોવાનું સ્વીકારીને આશ્ચર્ય સર્જ્યું હતું. તેમણે ભાજપને મળેલી 48 બેઠકોના જનાદેશનો હવાલો આપી શાસક પક્ષનો બચાવ કર્યો હતો.

બીજી તરફ વિપક્ષી નેતા લલિત પરસાણાએ બજેટના આંકડાઓને તદ્દન ખોટા અને અવાસ્તવિક ગણાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે પાલિકાની આવક માંડ 25 થી 30 ટકા જેટલી જ છે અને બજેટનો 92 ટકા હિસ્સો તો માત્ર વહીવટી ખર્ચમાં જ જતો રહે છે, તો વિકાસ માટે માત્ર 8 ટકામાં શું કામ થશે? તેમણે વધુમાં જણાવ્યું કે ગત વર્ષની 80 યોજનાઓમાંથી માંડ બે-ત્રણ કામ શરૂૂ થયા છે. શહેરના 150 કિલોમીટરના રસ્તા હજુ બાકી છે અને ગટર-પાણી જેવી પાયાની સુવિધાઓ આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. વેરા પહોંચના ચાર ફેક્ટરમાં 1-1 ટકાનો વધારો કરીને જનતા પર વાર્ષિક ₹800 સુધીનો છૂપો વેરો ઝીંકવામાં આવ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

બોર્ડ દરમિયાન વાતાવરણ ત્યારે વધુ ગરમાયું જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર અદ્રેમાન પંજાએ આક્ષેપ કર્યો કે ભાજપના સભ્યો તેમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ વિરોધ પ્રદર્શિત કરવા ડાયસ તરફ ધસી ગયા હતા. આ બજેટ બેઠકમાં સૌથી મહત્વની રજૂઆત કોંગ્રેસના કોર્પોરેટર રાવણ પરમાર દ્વારા કરવામાં આવી હતી. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવા માટે વિશેષ દરખાસ્ત રજૂ કરી હતી. પરમારે જણાવ્યું હતું કે, જો નરસિંહ મહેતા સરોવર ખાતે ₹22 લાખના ખર્ચે પ્રતિમા મુકાતી હોય, તો ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પણ યોગ્ય સ્થાને મુકાવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર ઉત્સવો પાછળ કરોડો ખર્ચે છે, પરંતુ મહાપુરુષોના સન્માનમાં ઉણી ઉતરે છે.

બજેટમાં ડિજિટાઈઝેશનના દાવાઓ સામે પણ સવાલો ઉઠ્યા હતા. વિપક્ષે કહ્યું કે મનપા ’ઈ-સરકાર’ની વાત કરે છે પણ હજુ ઘણી ફાઈલો ઓનલાઈન ચડી નથી અને સ્મશાનગૃહમાં પણ હજુ ચોપડા પર જ કામગીરી થાય છે. વાસ્તવિક કામગીરી શૂન્ય હોવા છતાં જાહેરાતો મોટી કરવામાં આવે છે. સભ્યોએ ભવનાથ તળેટીમાં દત્ત ભગવાનની 150 ફૂટની પ્રતિમા મુકવા તેમજ ઓવરબ્રિજ અને અન્ડરપાસના અટકેલા કામો સત્વરે પૂર્ણ કરવા માંગ કરી હતી.

મ્યુઝિકલ નાઈટ યોજી ઉજવણી કરવા સૂચન
રાવણ પરમારે આગામી 14 એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી માટે બજેટમાં એક અલગ જોગવાઈ ઊભી કરવાની માંગ કરી છે. તેમની માંગણી મુજબ, 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી શહેરમાં લાઈટ ડેકોરેશન, ફ્લેક્સ બેનરો, અને મુખ્ય માર્ગો પર મંડપોની વ્યવસ્થા થવી જોઈએ. જન્મજયંતિના દિવસે ભવ્ય રેલી માટે ડીજે સિસ્ટમ, બેન્ડ પાર્ટી અને જાહેર સભાઓમાં આવતા લોકો માટે છાસ-પાણીની સુવિધા કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી છે. કાળવા ચોકમાં મ્યુઝિકલ નાઈટ યોજીને ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ઉજવણી કરવાનું પણ સૂચન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *