પોરબંદરના દરિયામાં ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાન થી સ્પીડ બોટ મારફતે ઘુસાડેલ 203 પેકેટ ડ્રગ્સ સાથે બે ઈરાની શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં આ ડ્રગ્સ ઈરાનમાં બેઠા બેઠા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ ચલાવતા હાજી સીદા’ નામના ડ્રગ્સ માફિયાને આ જથ્થો મોકલ્યો હોવાનું ખૂલ્યું છે.આ જથ્થો ગુજરાત થી પંજાબ સપ્લાય કરવનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોરબંદરના દરિયામાં 140 નોટિકલ માઈલ દૂર ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે આ ખતરનાક મિશનને અંજામ આપ્યો છે.10 કલાકની વોચ અને હાઈ-સ્પીડ ચેઝ બાદ આ સ્પીડ બોટ ને પકડી લેવામ આવી હતી.
ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક કે. કે. પટેલનાને ગુપ્ત રાહે બાતમી મળેલ કે, ઈરાની ડ્રગ સ્મગલર્સ હાજી ફીદા દ્વારા આશરે 200 કિલો જેટલો શંકાસ્પદ કેમીકલનો જથ્થો ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ભરી તા.15/02/2026 થી તા.16/02/2026 ના દરમ્યાન પોરબંદરથી આશરે 140 નોટીકલ માઈલ દૂર ભારતીય જળ સીમામાં આવનાર છે અને કોઈ ભારતીય બોટને ડીલીવરી આપી પંજાબ મોકલવામાં આવનાર છે. જે બાતમી હકીકત આધારે એ.ટી.એસ.ના એસપી કે. સિદ્ધાર્થ તથા ડી.વાય.એસ.પી વીરજીતસિંહ પરમાર તેમજ એસ. એલ. ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ, એ.ટી.એસ. પી.આઈ એ. એસ. ચાવડા, વી. એન. ભરવાડ, પીએસઆઈ એસ. આર. ચાવડાની ટીમે ઈન્ડીયન કોસ્ટ ગાર્ડને સાથે રાખી સંયુક્ત ટીમ બનાવી તા. 16-02-2026ની રાત્રે 08 વાગ્યે ભારતની જળ સીમામાં પોરબંદરથી આશરે 140 નોટીકલ માઇલ દૂર એક શંકાસ્પદ ઈરાની સ્પીડ બોટને આંતરી આ બોટમાં રહેલ બે ઈરાની ઈસમો નામે ઈરાનના કોનારકના ચાબહારના અબ્દુલ મજીદ ઈસ્માઈલ અને અબ્દુલ સત્તાર કાદરબક્ષની ધરપકડ કરી તેમજ તેમના કબ્જામાં રહેલ 203 પેકેટ ડ્રગ્સ તથા આ ઈરાની સ્પીડ બોટ પકડી પાડવામાં આવેલ છે.
આ રીકવર કરેલ કુલ 203 પેકેટમાં આશરે 203 કિલો શંકાસ્પદ કેમીકલનો જથ્થો મળી આવેલ છે. જે બાબતે રીકવર કરવામાં આવેલ શંકાસ્પદ કેમીકલનો જથ્થો, ઈરાની સ્પીડ બોટ તથા પકડાયેલ ઈરાની ઈસમોને પોરબંદર કોસ્ટગાર્ડ સ્ટેશને લાવી, એફએસએલની ટીમ દ્વારા આ પકડાયેલ શંકાસ્પદ કેમીકલના જથ્થાના પૃથ્થકરણ અંગેની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બંને આરોપીઓ ઈરાની માફિયા હાજી સીદાના ઈશારે આ કામ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ડ્રગ્સ ઈરાનથી પંજાબ મોકલવાનું હતું. બને પાસેથી કબજે કરેલ મોબાઈલ ફોનમાં ચોકાવનારી વિગતો સામે આવશે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂૂપિયા હોવાનો અંદાજ છે.
ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 13 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું
વિકાસશીલ અને સરહદી રાજ્ય ગુજરાતમાં દારૂૂ અને ડ્રગ્સ સહિતની બદીઓ વિસ્તરી રહી છે. ત્યારે સરકારી એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે, વર્ષ 2025 દરમિયાન જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂૂપિયાનું સિન્થેટીક ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ડ્રગ્સ બનાવતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડવાની કામગીરી રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિ પર અંકુશ મેળવાયા પછી ગુજરાતમાં ગેરકાયદે સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઉપર પસ્તાળ પાડવામાં આવી છે. વર્ષ 2025માં જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂૂપિયાની કિંમતનું સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી હતી. આ ફેક્ટરીઓમાંથી 2240 કરોડ રૂૂપિયાનું 20823 કિલો સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડમાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ 13,939 કરોડ રૂૂપિયાની કિંમતનું 1.74 લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ એજન્સીઓએ પકડી પાડ્યું છે.
વર્ષ 2024 દરમિયાન કુલ 588 કેસ કરીને 1479 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ પકડ્યા પછી વર્ષ 2025માં 980 કેસ કરીને 2240 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. રાજ્યમાંથી પકડાયેલા ડ્રગ્સમાં મોર્ફિન, કોડેઈન, હેરોઈન, મેથએમ્ફેટામાઇન જેવા ડ્રગ્સનો સમાવેશ થાય છે.સૂત્રોના જણવ્યાનુસાર, ગુજરાતના વિશાળ દરિયાકાંઠેથી સિન્થેટીક ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે અને તે અન્ય રાજ્ય, દેશોમાં મોકલવામાં આવે છે. ગાંધીધામ નજીકથી દરિયાકાંઠેથી પકડાયેલા કરોડો રૂૂપિયાના ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યોને ક્યાં જવાનો હતો તેની જાણકારી બે વર્ષે પણ મળી નથી. બીજી તરફ, દવાઓના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. દવાના ઉત્પાદનના બહાને ગેરકાયદે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ વર્ષ 2025માં પણ પકડાઈ ચૂકી છે. દેશ-દુનિયામાં ડિમાન્ડ વધતાં સિન્થેટીક ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદે ઉત્પાદન મુદ્દે ગુજરાત કેન્દ્રસ્થાને રહ્યું છે. ગુજરાત પોલીસ, એટીએસ ઉપરાંત ડીઆરઆઈ અને એનસીબી સહિતની કેન્દ્રિય એજન્સીઓ ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે સક્રિય કામગીરી કરી રહી છે.
