દુષ્કર્મના કેસમાં 17 વર્ષના કિશોરને 20 વર્ષની સજા

12 વર્ષની બાળા ઉપર 3 વખત બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી કિશોરની મનોસ્થિતિ પુખ્ત ગુનેગાર જેવી હોવાનું રિપોર્ટના આધારે સુરત કોર્ટનો ચુકાદો સુરત ન્યાયતંત્રના ઇતિહાસમાં…

12 વર્ષની બાળા ઉપર 3 વખત બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી

કિશોરની મનોસ્થિતિ પુખ્ત ગુનેગાર જેવી હોવાનું રિપોર્ટના આધારે સુરત કોર્ટનો ચુકાદો

સુરત ન્યાયતંત્રના ઇતિહાસમાં અને ખાસ કરીને પોક્સો એક્ટ હેઠળ સુરતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂૂપ ચુકાદો સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ 12 વર્ષની માસૂમ બાળકી પર ત્રણ વાર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવનાર કિશોરને જુવેનાઇલ કોર્ટે 20 વર્ષની સખત સજા ફટકારી છે. સુરતમાં આ પહેલો એવો કેસ છે જેમાં કોઈ કિશોરને પોક્સો એક્ટ હેઠળ આટલી લાંબી સજા ફટકારવામાં આવી હોય.
આ ઘટનાની વિગતો મુજબ ફેબ્રુઆરી 2023માં સચીન પોલીસ મથકે આ હૃદયદ્રાવક ફરિયાદ નોંધાઈ હતી. એક શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીને છેલ્લા બે મહિનાથી માસિક ન આવતા માતા-પિતા ચિંતિત હતા. શરૂૂઆતમાં નબળાઈ માનીને અવગણના કરી, પરંતુ જ્યારે બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને ડોક્ટર પાસે તપાસ કરાવી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે માસૂમ બાળકી 4 મહિનાની ગર્ભવતી હતી.

બાળકીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, જ્યારે તેણીના માતા-પિતા કામ પર ગયા હોય અને ઘરે કોઈ ન હોય ત્યારે પાડોશમાં રહેતો કિશોર અવારનવાર ઘરમાં ઘૂસી આવતો હતો. આરોપીએ બાળકીની મજબૂરીનો ફાયદો ઉઠાવી ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ હેવાનિયતને કારણે બાળકી ગર્ભવતી બની હતી અને અંતે તેનું ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી.

આ કેસમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીની ઉંમરની ચર્ચા થઈ. આરોપી ઘટના સમયે 17 વર્ષનો હતો. કાયદા મુજબ 16થી 17 વર્ષના કિશોરો જો ગંભીર ગુનો કરે, તો બાળ સુરક્ષા અધિકારી તેમનો મનોવૈજ્ઞાનિક રિપોર્ટ તૈયાર કરે છે. આ કેસમાં પણ સાબિત થયું કે, કિશોરની મનોસ્થિતિ કોઈ પુખ્ત વ્યક્તિ જેવી જ ગુનાહિત હતી, જેના આધારે કોર્ટે તેને કડક સજા તરફ ધકેલ્યો. આરોપીની હેવાનિયતને કારણે બાળકી ગર્ભવતી બની હતી અને અંતે તેનું ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી.

સરકારી વકીલ મુંજાલ બ્રહ્મભટ્ટે કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. તેમણે જણાવ્યું કે, સુરતની જુવેનાઇલ કોર્ટ દ્વારા પોક્સો એક્ટના ગુનામાં કોઈ કિશોરને સજા થઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે. એડિશનલ સેશન્સ જજ વિનોદ વી. પરમારની કોર્ટે મેડિકલ પુરાવા અને પીડિતાની જુબાનીને ગ્રાહ્ય રાખી આ કડક આદેશ આપ્યો હતો.
આરોપી હાલ 20 વર્ષનો છે અને તેને કુલ 20 વર્ષની સજા ભોગવવાની છે. તે 21 વર્ષનો પૂરો ન થાય ત્યાં સુધી તેને મહેસાણા ખાતેના ’જુવેનાઇલ હોમ’માં રાખવામાં આવશે. તેની ઉંમર 21 વર્ષ પૂરી થશે એટલે તેને તાત્કાલિક અસરથી સામાન્ય કેદીઓની જેમ જેલમાં મોકલી આપવામાં આવશે.

આ ચુકાદો એવા તત્વો માટે ચેતવણી સમાન છે, જેઓ માને છે કે ’કિશોર’ હોવાનો ફાયદો ઉઠાવીને ગંભીર ગુનાઓમાંથી બચી શકાય છે. કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો ગુનો જઘન્ય હોય અને મનોસ્થિતિ ગુનાહિત હોય તો કાયદો કોઈપણ પ્રકારની દયા દાખવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *