ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર સોડા-બોટલના ઘા કરનાર બૂટલેગર પુત્રને બચાવવા પોલીસના ધમપછાડા
ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા-બોટલના ઘા કરી સમગ્ર પોલીસ તંત્રની આબરૂૂના ધજાગરા ઉડાડનાર બુટલેગર પુત્ર જેનીશ મહાજન અને તેના સાગરિત સદામ ઉર્ફે ભુરાએ ફરી લખન ઝળકાવ્યા હતા અને રૈયાધારમાં એક વેપારીએ મફતમાં વસ્તુ આપવાની ના પાડતાં તેની સાથે મારકૂટ કરી વેપારીની દુકાનમાં તોડ-ફોડ કરી ધમકી આપ્યાની પોલીસે અરજી લીધા બાદ ઉચ્ચ પોલીસ અધિકારી સુધી આ વાત પહોચી હોય અંતે આ મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી હતી.
મળતી વિગતો મુજબ ભોગ બનનાર વેપારી માધાપર ચોકડી સુંદરમ સોસાયટી શેરી નં.2માં રહેતો સાગર વલ્લભભાઈ પરમાર (ઉ.વ.39) કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રૈયાધાર ખાતે શ્રેય શોપિંગ સેન્ટર નામની દુકાન ધરાવે છે. ગઈ તા.9ના રાત્રે બુટલેગર પુત્ર જેનીશ મહાજન અને તેના સાગરિત સદામ ઉર્ફે ભુરો બંને આરોપીઓએ તેની દુકાનેથી સોડા અને પાણીની બોટલ લીધી હતી. પૈસા માંગતા જેનીશે પછી આપી દઇશ તેમ કહ્યું હતું. જેથી ઉધાર નથી રાખતા તેમ કહેતાં બંને આરોપીઓએ તેને બેફામ ગાળો ભાંડી, દુકાનમાં તોડ-ફોડ કરી હતી. પૈસા મંગ્યા છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. વેપરીસ સાગર પરમાર જયારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે બંને આરોપીઓ માથાભારે અને અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવા છતાં તાત્કાલિક ફરિયાદ લેવાને બદલે પોલીસે અરજી લઈ લીધી હતી.
એટલું જ નહીં, બંને આરોપીઓ સામે અટકાયતી પગલાં લઈ સંતોષ માની લીધો હતો. જેનાથી નારાજ સાગરભાઈએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ કમિશ્નર કચેરીએ રજૂઆત પણ કરી હતી. એટલું જ નહીં. બંને આરોપીઓને જામીન પર છોડનાર મામલતદાર સમક્ષ પણ પોતાને સાંભળ્યા વગર જામીન આપી દીધા અંગે રજૂઆત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. બાદમાં પી.આઈ.ને મળતાં સાગરભાઈના આક્ષેપ મુજબ તેને ત્રણ કલાક બેસાડી રખાયા પછી પણ પોલીસે ફરિયાદ લીધી ન હતી એટલું જ નહીં, આજે સવારે ડી-સ્ટાફનાં માણસોએ તેનો સંપર્ક કરી ફરિયાદ નહીં નોંધાવવા વિનંતી કરી હતી. સાથો-સાથ બંને આરોપીઓને તેની નજર સામે જ સબક શીખવાડશે તેવી ધરપત આપી હતી. આમ છતાં સાગરભાઈ એફઆઈઆર માટે મક્કમ રહેતા અંતે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો.
