પ્રતિબંધ ન હોય તેવા તમામ બાંધકામોને મંજૂરીની જરૂર નહીં

માસ્ટર પ્લાન તૈયાર થયા ન હોય તો પણ બાંધકામ કરવાની છૂટ, બિનખેતીની પ્રક્રિયા જ ઔપચારિક થઈ જશે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વહીવટી પ્રક્રિયામાં…

માસ્ટર પ્લાન તૈયાર થયા ન હોય તો પણ બાંધકામ કરવાની છૂટ, બિનખેતીની પ્રક્રિયા જ ઔપચારિક થઈ જશે

‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વહીવટી પ્રક્રિયામાં તોળાતા ધરખમ ફેરફારો

ગુજરાત સરકાર રાજ્યમાં વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી લાવવા માટે એક અભૂતપૂર્વ નીતિ પર વિચારણા કરી રહી છે. ’પરમિટેડ ટિલ પ્રોહિબિટેડ’ એટલે કે ’જ્યાં સુધી મનાઈ ન હોય ત્યાં સુધી મંજૂરી’ – આ સિદ્ધાંત હેઠળ હવે રાજ્યના શહેરી વિકાસ અને બાંધકામ નિયમોમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. આ નવી વ્યવસ્થા હેઠળ, સરકાર માત્ર પ્રતિબંધિત પ્રવૃત્તિઓની એક નાની યાદી (નેગેટિવ લિસ્ટ) જાહેર કરશે, અને તે સિવાયની તમામ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને આપોઆપ મંજૂરી મળી જશે.

અત્યાર સુધીની વ્યવસ્થામાં કોઈ પણ નવા બાંધકામ કે પ્રોજેક્ટ માટે સરકાર પાસેથી લાંબી મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. જોકે, કેન્દ્ર સરકારની ભલામણોને આધારે ગુજરાત સરકાર હવે ’ડિમાન્ડ ડ્રિવન’ એટલે કે માંગ-આધારિત જમીન વપરાશની નીતિ અપનાવવા જઈ રહી છે. આનો અર્થ એ છે કે માર્કેટની જરૂૂરિયાત મુજબ રહેણાંક, વાણિજ્યિક કે ઔદ્યોગિક ઝોનમાં મિશ્ર વપરાશ માટે વધુ છૂટછાટ આપવામાં આવશે.

નવી નીતિનો મુખ્ય હેતુ ’રેડ ટેપિઝમ’ એટલે કે વહીવટી વિલંબને દૂર કરવાનો છે. દરેક ઝોન (રહેણાંક, કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રિયલ) માટે સરકાર એક ’નેગેટિવ લિસ્ટ’ તૈયાર કરશે. આ યાદીમાં દર્શાવેલી પ્રવૃત્તિઓ સિવાયની તમામ બાબતો માટે બિલ્ડરો કે નાગરિકોએ મંજૂરી માટે રાહ જોવી પડશે નહીં. આનાથી વહીવટી તંત્ર પરનો ભાર ઘટશે અને પારદર્શિતા વધશે.

સામાન્ય રીતે કોઈ પણ શહેરનો માસ્ટર પ્લાન તૈયાર થવામાં વર્ષોનો સમય લાગે છે, અને આ દરમિયાન નવા પ્રોજેક્ટ્સ અટવાયેલા રહે છે. નવી નીતિ મુજબ, રાજ્ય સરકાર માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં એક ’વચગાળાનો ડ્રાફ્ટ પ્લાન’ તૈયાર કરશે. જો આ સમયગાળામાં નવો પ્લાન અમલમાં ન આવે, તો જૂના પ્લાન મુજબ બાંધકામ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા ઝડપથી વિકસતા શહેરોમાં બાંધકામ પ્રવૃત્તિને મોટો વેગ મળશે.

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આયોજિત હાઈ-લેવલ મીટિંગમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, પર્યાવરણ અને ઉર્જા વિભાગના વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓ આ સુધારાના અમલીકરણ માટે કાર્યરત છે. આ નીતિ કેન્દ્ર સરકારના ’કમ્પ્લાયન્સ રિડક્શન અને ડીરેગ્યુલેશન ફેઝ-II’ દસ્તાવેજનો એક ભાગ છે.

બાંધકામ ક્ષેત્ર માટે આ સુધારા ગેમ ચેન્જર બની શકે : ક્રેડાઈ

ક્રેડાઈ-ગુજરાત (CREDAI Gujarat)ં ના પ્રમુખ તેજસ જોષીએ આ પગલાને આવકારતા જણાવ્યું હતું કે, “આ સુધારાથી ગુજરાતમાં ’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’માં મોટો ઉછાળો આવશે. રાષ્ટ્રીય સ્તરની રિયલ એસ્ટેટ કંપનીઓ હવે ગુજરાતમાં રોકાણ કરવા માટે વધુ આકર્ષાશે. ખાસ કરીને આગામી સમયમાં જ્યારે ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ સુધારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.” ગુજરાત સરકારની આ પહેલથી બાંધકામ ક્ષેત્રે પારદર્શિતા આવશે અને ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટશે.

રાજ્ય સરકાર ત્રણ મહિનામાં વચગાળાનો ડ્રાફ્ટ પ્લાન બનાવશે
રાજ્ય સરકારે રેવન્યુ સુધારા માટે બનાવેલી હાઈલેવલ કમિટીએ તૈયાર કરેલ આ સુધારણા ડ્રાફટ શહેર અને શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તાર કે જ્યાં ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવતાં હોય તેવા વિસ્તારોમાં લાગુ પડી શકે છે. સામાન્ય રીતે ડેવલપમેન્ટ પ્લાન 10 વર્ષનાં બનતો હોય છે અને તેની મંજુરીની પ્રક્રિયા પણ ખુબ લાંબી ચાલતી હોય છે. ત્યારે જે વિસ્તારોમાં સુચિત ડ્રાફટ મુકાઈ ગયો હોય અને ફાઈનલ ડી.પી.મંજુર થયો ન હોય તો પણ આ સુધારા લાગુ કરવાનું આયોજન છે. ત્યારે જે વિસ્તારોમાં ડી.પી.નો ડ્રાફટ બન્યો નથી તે વિસ્તારોમાં ત્રણ મહિનામાં જ રાજ્ય સરકાર દ્વારા વચગાળાનો ડ્રાફટ પ્લાન તૈયાર કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *