ધ્રાંગધ્રામાં છ વર્ષ પહેલાની યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદની સજા

ધ્રાંગધ્રામાં 2020માં થયેલી યુવાનની હત્યાના કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી તૌસીક બ્લોચને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના…

ધ્રાંગધ્રામાં 2020માં થયેલી યુવાનની હત્યાના કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી તૌસીક બ્લોચને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના હરીપર રોડ પર 8 ઓગસ્ટ 2020ના રોજ બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, 8 ઓગસ્ટ 2020ના રોજ ધ્રાંગધ્રા શહેરના હરીપર રોડ પર જીગરભાઈ પરમાર સાથે કેટલાક શખ્સોને બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી દરમિયાન આરોપી તૌસીક બ્લોચ અને તેના સાગરીતોએ જીગરભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. હુમલામાં જીગરભાઈ પરમારને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી કુલ 10 શખ્સો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને આ હત્યાનો કેસ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવા અને તપાસ અધિકારીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી.

તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને, ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી તૌસીક બ્લોચને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી. જ્યારે આ કેસમાં અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *