અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા 13 વર્ષના માસૂમનું મોત

જામનગર રાજકોટ રોડ ફરી એક વખત રક્તરંજીત બન્યો હતો. ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રન ના બનાવમાં નવમા ધોરણના વિદ્યાર્થી 13 વર્ષના કિશોરનું ગંભીર ઇજા…

જામનગર રાજકોટ રોડ ફરી એક વખત રક્તરંજીત બન્યો હતો. ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રન ના બનાવમાં નવમા ધોરણના વિદ્યાર્થી 13 વર્ષના કિશોરનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું છે. જ્યારે બાઈક સવાર તેના મામા અને મામા ના પુત્ર સહિત અન્ય બે ને ગંભીર ઇજા થઈ છે, અને જીજી. હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૃતક ભાણેજ તથા તેના મામા વગેરે જામનગરમાં લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યા હતા, દરમિયાન આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક વસઈ ગામમાં રહીને માલધારીનો વ્યવસાય કરતા કારાભાઈ ડાયાભાઈ કટારીયા નામના માલધારી યુવાનનો 13 વર્ષનો પુત્ર મેઘરાજ કે જે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે, અને કારાભાઈના સાળા કે જેઓ જામનગરમાં રહે છે, તેને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી મેઘરાજ તેના માતા સાથે જામનગરમાં આવ્યો હતો, અને પોતાના મામા મુકેશભાઈ અને તેના પુત્ર જીતેશ સાથે એક બાઈકમાં બેસીને જામનગર થી વસઈ ગામે પરત ફરી રહ્યા હતા.

જે દરમિયાન જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે કોઈ અજાણ્યા વાહન ના ચાલકે પૂરપાટ ઝડપે આવી બાઈકને ટક્કર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર મુકેશભાઈ અને તેના પુત્ર જીતેશ તેમજ ભાણેજ મેઘરાજ ને ગંભીર ઇજા થઈ હતી, જેમાં મેઘરાજ નું સ્થળ પર મૃત્યુ નીપજયું હતું, જયારે બાઈક સવાર મુકેશભાઈ અને તેના પુત્ર જીતેશને હેમરેજ સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને ત્યાં તેઓની સઘન સારવાર ચાલી રહી છે.

મૃતક મેઘરાજ ના પિતા કારાભાઈ ડાયાભાઈ ટારીયા એ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એ આર પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *