અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોળાઈ પાસે આશરે 60 વર્ષના એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના અનુસંધાને દાતા ગામના રહીશ જેસંગજી બળવંતસિંહ જાડેજા (ઉ.વ. 38) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અજાણ્યા વૃદ્ધનું મૃત્યુ નિપજાવીને નાસી જવા સબબ ધોરણસર ફરિયાદ નોંધી છે.
બોલેરોની ઠોકરે યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રણછોડભાઈ રાજુભાઈ મેર નામના 27 વર્ષના યુવાન શનિવારે સવારના સમયે એક બોલેરોમાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે કેનેડી ગામથી ભાટિયા તરફના માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 7204 નંબરના એક બોલેરો પીકઅપ વાહનના ચાલકે અકસ્માત સર્જતા રણછોડભાઈ રાજુભાઈ મેરના પોતાના ભાગ પર બોલેરોનું ટાયર ફરી વળતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના બોલેરોના ચાલક રમેશભાઈ લાખાભાઈ કાગડીયાની ફરિયાદ પરથી જી.જે. 37 ટી. 7204 નંબરના બોલેરો પીકઅપ વાહનના ચાલક સામે જુદી જુદી કલર ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
કલ્યાણપુરમાં પરપ્રાંતિય આધેડનું મૃત્યુ
મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના ભોડાવરા ગામના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ગુલસિંગ હારુન અજનાર નામના 50 વર્ષના આધેડને દારૂૂ પીવાની ટેવ હોય, આ પરિસ્થિતિમાં બેશુધ્ધ હાલતમાં તેને કલ્યાણપુરના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પત્ની ભુરીબેન ગુલસિંગની નોંધ પરથી આગળની કાર્યવાહી કરી હતી.
પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે બારીયાધાર ખાતે રહેતા શાંતિબેન કિશનભાઈ સોલંકી નામની 23 વર્ષની યુવતીએ થોડા સમય પૂર્વે કિશન રમેશભાઈ સોલંકી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે અંગેનો ખાર રાખી, પતિ સહિત અન્ય સાસરિયાઓએ શાંતીબેનને ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ સમગ્ર પ્રકરણમાં પતિ કિશન રમેશ સોલંકી, રમેશ નાગાભાઈ સોલંકી, શાંતીબેન રમેશભાઈ, લીલુબેન કરસનભાઈ મારુ અને રેખાબેન દિનેશ કરસન મારુ નામના પાંચ સાસરિયાઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, ધોકા વડે માર મારી, ઇજાઓ પહોંચાડી હતી.
આ બનાવથી મનમાં લાગી આવતા શાંતિબેને પોતાના હાથે ફિનાઈલ લીધું હતું. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે પતિ સહિત તમામ પાંચ સાસરિયાંઓ સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકા સર્કલના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.આર શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
