પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી, ભકતોમાં રોષ
જસદણ-આટકોટ ફોરલેન રોડ પર સ્થિત વર્ષો જૂના અને હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ગત મોડી રાત્રે અજાણ્યા નાસ્તિક તત્વોએ મૂર્તિઓની ચોરી અને તોડફોડ કરતાં ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અજાણ્યા તત્વોએ મંદિરમાં પ્રવેશ કરી શ્રદ્ધાના પ્રતીક સમાન કાળભૈરવ, પવિત્ર શિવલિંગ, પોઠીયો સહિતના સમગ્ર શિવ પરિવારની મૂર્તિઓની ચોરી કરી હતી. આટલું જ નહીં, આ તત્વોએ મંદિરની ફરતે આવેલી સુરક્ષા દીવાલ પણ તોડી પાડી નુકસાન પહોંચાડ્યું હતું.
આ મંદિરના પૂજારી જમનગીરી બાપુ, જેઓ છેલ્લા 40 વર્ષથી ગૌસેવા અને પશુ-પક્ષીઓની સેવા કરી રહ્યા છે, તેમણે અપીલ કરી હતી કે જેઓ આ પ્રતિમા લઇ ગયા હોય, તેઓ શ્રદ્ધાનું સન્માન જાળવી મૂર્તિઓ યથાવત સ્થાને પરત મૂકી જાય તેવી અપીલ છે.
મંદિરના પુજારીએ અપીલ કરી હતી કે જેઓ આ પ્રતિમાઓ લઇ ગયા છે તે શ્રધ્ધાથી પરત મુકી જાય. તસવીર- દિપક રવિયા બનાવની જાણ થતાં જ જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી અજાણ્યા મૂર્તિચોરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ધાર્મિક લાગણી દુભાવનારા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ મંદિરના પુજારી જમનગીરીબાપુ ગોસ્વામીએ જણાવ્યું હતું કે કોઈ તત્વો કાળભૈરવ દાદા અને શિવ પરિવારની બધી મૂર્તિઓ ઉપાડી ગયા છે અને થોડીઘણી રોકડ રકમ પણ લઈ ગયા છે. સાથોસાથ મંદિરમાં પણ ઘણું નુકસાન કરેલ છે. હું મૂંગા પશુ-પક્ષીઓની છેલ્લા 40 વર્ષથી સેવા કરું છું . મંદિરમાં થોડું ઘણું દાન આવે તેમાંથી હું આ સેવાકાર્ય કરું છું. આ બાબતે મે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવેલી છે.
