જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં 90 થી વધુ ગામડાઓ આવેલા છે અને જામનગરથી કાલાવડ તરફ જતા ગ્રામ્ય વિસ્તારમાં એસટીની સુવિધા નહિવત મળી રહી છે. અગાઉ જામનગર થી કાલાવડ તરફના ગ્રામ્ય વિસ્તારોમાં જવા અનેક બસો ચાલતી હતી, પરંતુ છાશવારે આ એસટીની બસો બંધ કરી દેવામાં આવી છે. ઘણા લાંબા સમયથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો અવરજવર માટે મુશ્કેલી અનુભવતા એસટી તંત્ર સમક્ષ બસ વધારવા અને હાઇવે પરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટોપ આપવાની માગણી કરી છે પરંતુ એસટી ડિવિઝનના નિંભર તંત્રના સત્તાધીશો લોકોનું તો ઠીક પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ ગાંઠતા ન હોય તે પ્રકારે આ વિસ્તારમાં બસોના સ્ટોપ નથી આપી રહ્યા અને નવી બસો પણ નથી મૂકી રહ્યા, ત્યારે તાજેતરમાં જ આણંદમાં ખુદ નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર ખાતું સંભાળતા હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અને ત્યાંની સમસ્યા જોઈ ચાર નવી એસટી બસો ફાળવવા તાત્કાલિક આદેશ કર્યો હતો. તેમ જામનગર પણ કાલાવડ ના હાઈવે પરના ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષભાઈ આવે તો સ્થાનિકોની તકલીફો જાણી આ પ્રકારના આદેશ આપે તો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વાહન વ્યવહાર નિગમની સુવિધા સુપેરે મળી રહે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
જામનગર -કાલાવડ હાઇવે પર મોટા થાવરીયા, સપડા પાટીયા, મોટી માટલી, ખાનકોટડા, લલોઈ, બાંગા, ધૂતારપર, ધુળસીયા, હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારો માં લોકલ અને પાટિયા પાસે આવતી બસો ઊભી નથી રહેતી. જેને લઈને લોકોને ફરજિયાત ખાનગી વાહનોની ગરજ પડે છે. તેમાં ક્યાંક ને ક્યાંક એસટી તંત્રના ડિવિઝનલ કંટ્રોલર તેમજ બસોના ટ્રાફિક નિયમન કરતા અધિકારીઓ ખાનગી વાહન ચાલકોના હિતમાં બસો ન મુકતા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે. અવારનવાર સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને તાલુકા મથક એવા કાલાવડમાં નોકરી ધંધો કરતા લોકોને એસ.ટીમાં સમયસર અપડાઉન કરે તે માટે બસો મૂકવાની રજૂઆત લોકો અને ધારાસભ્યો ઉપરાંત કેટલાક હાઈસ્કૂલ તેમજ સરપંચોએ પણ રજૂઆત કરી છે. આ રજૂઆતો ટૂંકી પડતી હોય તેમ હવે લોકો કોને રજૂઆત કરે?
આવનારા સમયમાં કાલાવડ હાઈવે પર આવેલ મોટી માટલી ગામમાં ચાલતી હાઇસ્કુલ કે જ્યાં 300 થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ અર્થે આવે છે તેને શાળા સમય દરમિયાન પણ આવવા જવામાં ખૂબ તકલીફો પડે છે. જેને લઈને વિદ્યાર્થી સંગઠનો પણ મેદાને આવી આંદોલન કરી શકે છે.
અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ જામનગરના એસ.ટી. તંત્રને કાલાવડ પંથકમાં એસટી બસની સુવિધા શરૂૂ કરવા કયો ગ્રહ નડે છે તે સમજાતું નથી.
