થોડા સમય પહેલા વડોદરા ગ્રામ્ય પંથકના સત્તાધારી પક્ષ ભાજપના જ પાંચ ધારાસભ્યોએ જિલ્લાના સરકારી અધિકારીઓ પર આરોપો મૂકી મુખ્યમંત્રીને લખેલા પત્રનો મામલો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. એક સપ્તાહ પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓની મનસ્વી કાર્યશૈલી સામે બાયો ચડાવ્યા બાદ, હવે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આરપારની લડાઇના મુડમાન હોય તેવું જણાય છે. તેમણે કલેક્ટરની સંકલન બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
વિગતવાર વાત કરીએ તો, વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને સીએમ ભૂપેન્દ્ર પટેલને જિલ્લા કક્ષાએ કામ કરતા સરકારી અધિકારીઓના મનસ્વી વલણનો ઉલ્લેખ કરી પત્ર લખ્યો હતો. વડોદરા ગ્રામ્યના ધારાસભ્ય કેતન ઇનામદાર, શૈલેષ મહેતા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના 5 ધારાસભ્યોએ આ પત્ર લખ્યો છે. જેમાં તેઓએ ’ઉપરી અધિકારીઓ તેમનું કહ્યું ન સાંભળતા હોવાની’ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. બાદમાં આ મામલે રાજકારણ ગરમાયું હતું.
વડોદરા જિલ્લાના પાંચ ભાજપ ધારાસભ્યોએ સામૂહિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા હતા. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અધિકારીઓ વિકાસના કામોમાં વિક્ષેપ પાડી રહ્યા છે. પ્રજાના કામોમાં અધિકારીઓ દ્વારા ધારાસભ્યોની અવગણના કરવામાં આવે છે. સરકારી બાબુઓની ’ખરાબ માનસિકતા’ અને મનસ્વી વલણને કારણે પ્રજા પરેશાન થઈ રહી છે.
ત્યારે આ પત્ર લખ્યાને એક સપ્તાહ વીતી જવા છતાં હજુ સુધી સંતોષકારક કાર્યવાહી ન થઈ હોવાના એંધાણ મળી રહ્યા છે. આ સમયે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે હજુ પણ નારાજ હોવાના સંકેતો હાલ મળી રહ્યા છે. ધારાસભ્યોની નારાજગીનું મુખ્ય કારણ એ છે કે રજૂઆતો છતાં તંત્રની કાર્યશૈલીમાં કોઈ સુધારો દેખાઈ રહ્યો નથી. ખાસ કરીને કેતન ઇનામદારની નારાજગી યથાવત રહેતા રાજકીય ગલિયારાઓમાં પણ ચર્ચાઓ તેજ બની છે.
નોંધનીય છે કે, મહિનાના દર ત્રીજા શનિવારે વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદની સંકલન બેઠક યોજાય છે. જોકે, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ બેઠકમાં ન જવાનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે, અગાઉની બેઠકોમાં રજૂ કરેલા પ્રશ્નો હજુ પણ પેન્ડિંગ છે. જો પ્રશ્નોનો ઉકેલ જ ન આવતો હોય, તો બેઠકમાં હાજરી આપવાનો કોઈ અર્થ નથી. અધિકારીઓ લોકપ્રતિનિધિઓને ગાંઠતા નથી અને કામોમાં અડચણ ઊભી કરતા હોય તેવો ઉલ્લેખ કરી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત વડોદરાના 5 ધારાસભ્યોએ લખેલા આ પત્રથી રાજકારણમાં ખડભડાટ મચ્યો છે, ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારે સંકલન બેઠકનો બહિષ્કાર કરતા આ મામલો હાલ ફરી એકવાર ચર્ચાસ્પદ બન્યો છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલે શું નવા વળાંક આવે છે.
