સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી હૃદય ધ્રૂજાવતી ઘટના સામે આવી છે. પતિએ સળગતી પત્નીને બચાવવાને બદલે તેનો વિડીયો બનાવ્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા એકત્ર કરવાના બહાને વીડિયો બનાવનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી છે. પરિણીતાના આપઘાત કેસમાં ઈચ્છાપોર પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર પતિએ મારઝૂડ કરી ઘરમાં તેલ પડ્યું છે, મરી જા એવી ઉશ્કેરણી કરતાં આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. મૂળ બિહારના 33 વર્ષીય પ્રતિમાદેવીએ આપઘાત કર્યો હતો. પ્રતિમાદેવીએ ત્રણ વર્ષ અગાઉ સુરતના ઈચ્છાપોરમાં રહેતા રંજિત દિલીપ સાથે થયા હતા. રંજિત નાની-નાની વાતોમાં ઝઘડો કરી પ્રતિમાદેવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે પ્રતિમાદેવીએ કંટાળીને ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું.
રંજિત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં પુત્રી પ્રિયા, પુત્ર આદિત્ય અને અંકુશ છે. ગત 4 જાન્યુઆરીના રોજ પ્રતિમા સળગી ગઇ હતી. શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવા છતાં રંજિતે અકસ્માતે દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઇ હોવાની વાત કરી હતી. ત્યાર બાદ બાળકોને પૂછતાં એવું જાણવા મળ્યું કે મકાનના ધાબા પર પાડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે વેરવિખેર થઈ જતાં બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કર્યું હોવાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી.
પતિ રંજિતની બૂમાબૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે પડી છોકરાઓને કેમ ઠપકો આપો છો? એવું કહેતાં રંજિતે પ્રતિમા પર ભારે ગુસ્સો કરી મારઝૂડ પણ કરી હતી. આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. ઉશ્કેરણી કરતાં પ્રતિમા ડીઝલ શરીરે છાંટી સળગી મરી હતી. જ્યારે પત્ની મદદ માટે ચીસો પાડી રહી હતી અને આગમાં ઘેરાયેલી હતી, ત્યારે રંજિતે આગ ઓલવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો અને પોતાના મોબાઈલ ફોનથી પત્નીની સળગતી હાલતનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાને લઈ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે જમાઈ રંજિત દિલીપ સાહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબજે લીધો છે.
