જામનગરના રણજીતસાગર રોડ પર ગઈકાલે બપોરે હિટ એન્ડ રન ની એક ઘટના બની હતી, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષ ના બુઝુર્ગને એક મોટરસાયકલ ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં તેઓનું અંતરીયાળ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં માધવ ટાઉનશિપમાં રહેતા શાંતિલાલભાઈ રાણાભાઇ મારુ નામના 50 વર્ષના પ્રૌઢ એ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે, કે પોતાના મોટાભાઈ દેવશીભાઈ રાણાભાઇ મારુ (ઉંમર વર્ષ 65) ગઈકાલે બપોરે 3.30 વાગ્યાના અરસામાં રણજીત સાગર રોડ પર મારુ કંસારા હોલ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન જી.જે. 10 ડી.એસ. 7449 નંબરના બાઈકના ચાલકે તેઓને હડફેટેમાં લઈ લીધા હતા.
જે અકસ્માતમાં તેઓને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું અંતરિયાળ મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવવા અંગે ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ એમ કે બ્લોચ તેમજ રાઇટર જયેશભાઇ વઢેલે જીજે 10 ડી.એસ. 7449 નંબરના બાઈકના ચાલક સામે ગુનો નોંધ્યો છે, જ્યારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
