કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત : રાજકોટમાં ચારનાં મોત

  શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં ચાર લોકોના શ્ર્વાસ…

 

શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે યુવાન અને બે આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં રાજુ કૃષ્ણભાઈ ટમતા નામનો 21 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન મુળ નેપાળનો વતની હતો અને ચાર ભાઈ બે બહેનમાં વચેટ હતો.

બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં રહેતા જગત પ્રેમસિંગ ઠાકુર નામનો 44 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે હાર્ટએટેક આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજયું હતું.

ત્રીજા બનાવમાં 40 ફુટ રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં રહેતાં અને સરકારી સ્કૂલમાં પ્યુન તરીકે ફરજ બજાવતાં કિરીટભાઈ કુરજીભાઈ ચૌહાણ (ઉ.59)ને હૃદયરોગનો હુમલો આવતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક કિરીટભાઈ ચૌહાણ ત્રણ ભાઈ ચાર બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર છે.

આ ઉપરાંત ચોથા બનાવમાં રાજકોટની ભાગોળે આવેલા લીલી સાજડીયાળી ગામે રહેતાં ધીરૂભાઈ ગોવિંદભાઈ પાનસુરીયા નામના 55 વર્ષના આધેડ બપોરના સમયે પોતાના ઘરે હતા ત્યારે બે ભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી ધીરૂભાઈ પાનસુરીયાનું હાર્ટએટેકથી મોત નિપજ્યાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં ધીરૂભાઈ બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *