દ્વારકા વિસ્તારમાં આવેલા એક તળાવ કાંઠે મોટરસાયકલ પર આવેલા શખ્સોએ સંરક્ષિત એવા કુંજ- કરકરા પક્ષીનો શિકાર કરતા રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ઝડપી પાડી, તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલાને માહિતી મળી હતી કે માયાસર તળાવ ખાતે અજાણ્યા શખ્સો કુંજ પક્ષીના શિકાર કરવા ગયા હોવાથી આ બાબતના આધારે શનિવારે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામ નજીક આવેલા માયાસર તળાવ ખાતે નાકાબંધી કરી અને અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં માયાસર તળાવ નજીક ત્રણ અજાણ્યા શખ્સો બુલેટ મોટરસાયકલ પરથી નાસી છૂટવા લાગ્યા હતા.
જેથી નાકાબંધી કરી અને રેન્જ ફોરેસ્ટ વિભાગની ટીમે બુલેટ પણ નાસી છૂટેલા શખ્સનો પીછો કરતા આ મોટરસાયકલ પર જઈ રહેલો ઇબ્રાહીમ અકબર ભેસલીયા (ઉ.વ. 26, રહે. કમાલ ચોક, રૂૂપેણબંદર, દ્વારકા) નામના માછીમાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને માયાસર તળાવ ખાતે લઈ જઈ અને જરૂૂરી શોધખોળ કરાતા તેના દ્વારા શિકાર કરવામાં આવેલા નવ (9) ડોભલી/ ડોમેસાઈલ ક્રેન (કુંજ-કરકરા) પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
ઝડપાયેલા શખ્સને રવિવારે દ્વારકાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જી.એસ. પ્રજાપતિની અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીના જામીન નામંજૂર કરી, તેને જિલ્લા જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો. રેન્જ ફોરેસ્ટ વિભાગની આ કાર્યવાહીથી દ્વારકા વિસ્તારના શિકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોમાં ફફડાટ ની લાગણી પ્રસરી જવા પામી છે.
આ સમગ્ર કાર્યવાહી આર.એફ.ઓ. એન.પી. બેલા અને પી.કે. પંડિત સાથે વન વિભાગ સ્ટાફના એસ.જી. કણજારીયા એચ.એસ. ડાંગર, ભરવાડ, કંડોરીયા, ગોડેશ્વર, ડાભી, માતંગ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
