આટકોટમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ રાજકારણમાં જોડાવા રાજીનામું આપ્યું

પોલીસની નોકરીમાં રહીને અનુભવાતી મર્યાદાઓમાંથી બહાર આવીને સમાજસેવા કરવાનો નિર્ણય લીધો જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સાગર જાપડીયાએ પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યું છે.…

પોલીસની નોકરીમાં રહીને અનુભવાતી મર્યાદાઓમાંથી બહાર આવીને સમાજસેવા કરવાનો નિર્ણય લીધો

જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સાગર જાપડીયાએ પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે સમાજસેવા અને રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાના હેતુથી આ નિર્ણય લીધો છે. જાપડીયાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં આશરે છ વર્ષ સુધી સેવા આપી હતી. તેમનું રાજીનામું લગભગ 15 દિવસ પહેલાં રજૂ કરાયું હતું અને હાલ તે પ્રક્રિયા હેઠળ છે.

જાપડીયાએ જણાવ્યું કે, ફરજ દરમિયાન તેમણે સમાજની સમસ્યાઓ અને લોકોની મુશ્કેલીઓને નજીકથી જોઈ છે. પોલીસની નોકરીમાં રહીને અનુભવાતી મર્યાદાઓમાંથી બહાર આવીને સમાજ માટે વ્યાપક સ્તરે કાર્ય કરવા તેમણે આ નિર્ણય લીધો છે.

એક ખાસ વાતચીતમાં તેમણે ખુલાસો કર્યો કે તેઓ આગામી સમયમાં આમ આદમી પાર્ટી (અઅઙ ) મા જોડાવાની તૈયારીમાં છે. તેમણે આમ આદમી પાર્ટીની નીતિઓ, પારદર્શિતા, ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ અને સામાન્ય નાગરિકોને રાજકારણમાં આગળ લાવવાની વિચારધારાથી પ્રેરણા મળી હોવાનું જણાવ્યું.
સાગર જાપડીયા રાજકારણને માત્ર સત્તાનો માર્ગ નહીં, પરંતુ સમાજસેવાનું સશક્ત માધ્યમ માને છે. આગામી દિવસોમાં તેઓ સ્થાનિક સ્તરે લોકો સાથે સંવાદ વધારશે, સામાજિક પ્રશ્નો અંગે અવાજ ઉઠાવશે અને સંગઠનાત્મક રીતે રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેશે.

પોલીસકર્મીના આ અચાનક રાજીનામાના નિર્ણય બાદ આટકોટ સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચા જોવા મળી રહી છે. એક પોલીસકર્મી દ્વારા નોકરી છોડીને ખુલ્લેઆમ રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *