રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુનામાં ફરાર પાંચ આરોપીઓને એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. સ્ટાફે દિગ્વિજયગઢ ગામથી અમરદળ ગામ તરફ જતા માર્ગ પર, દિગ્વિજયગઢ ગામની સીમ વિસ્તારમાંથી તેમને પકડી પાડ્યા હતા. એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ નિયમિત પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને ગુજસીટોકના ફરાર આરોપીઓ દિગ્વિજયગઢ ગામની સીમમાં છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળને ઘેરી લીધું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં જેસીંગ ઉર્ફે યુવરાજ દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ. 30), કીશન ઉર્ફે કનૈયા નવલસીંગભાઈ રાઠોડ (ઉ.વ. 35), ભગત ભરતભાઈ ચૌહાણ (ઉ.વ. 19), દીપકભાઈ સોનીયાભાઈ ચૌહાણ (ઉ.વ. 36) તથા અરૂૂણ ધમાભાઈ ઉર્ફે ગોરધનભાઈ ચૌહાણ (ઉ.વ. 25) સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ ઘાંટવડ ગામ, ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ, તા. કોડીનાર, જી. ગીર સોમનાથના રહેવાસી છે.
પકડાયેલા તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. આ ગુનાની વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે તેમને નાયબ પોલીસ અધિક્ષક, પોરબંદર ગ્રામ્યને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
