ખંભાળિયા – દ્વારકા નેશનલ હાઈવે પર અત્રેથી આશરે નવ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 06 એ.એક્સ. 4994 નંબરના એક ટેમ્પો ટ્રાવેલ્સના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવીને આ માર્ગ પર ચાલીને સંઘમાં દ્વારકા જતા દિનેશભાઈ પોપટભાઈ ભુવાને પાછળથી ઠોકર મારી હતી. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મોરબીના રહીશ પટેલ પંકજભાઈ ઠાકરશીભાઈ આદરોજા (ઉ.વ. 51) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
પ્રૌઢનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા કચરાભાઈ ડોસાભાઈ પિંડારિયાનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના ભાઈ ભીખાભાઈ ડોસાભાઈ પિંડારિયાએ અહીં પોલીસને કરી છે. અહીંના જડેશ્વર રોડ વિસ્તારમાં આશરે 65 થી 70 વર્ષના વૃદ્ધનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ અહીંના વિનયભાઈ જેઠવાએ ખંભાળિયા પોલીસને કરી છે.
દારૂ
દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા રાજેશ કાંતિલાલ જોશી (ઉ.વ. 69) ને સ્થાનિક પોલીસે રૂૂપિયા 25,700 ની કિંમતની વિદેશી દારૂૂની નાની-મોટી 14 બોટલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.
જુગાર
મીઠાપુર તાબેના ભીમરાણા ગામે એક મંદિર પાસે બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા સંતોકબા વિક્રમસિંહ વાઢેર, શાંતુબા મહેન્દ્રસિંહ વાઢેર, સવિતાબેન નરભેરામ સરપદડિયા અને ગુલાબબા હેમંતસિંહ જાડેજાને પોલીસે ઝડપી લઈ, રૂૂ. 2,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
