રાજકોટ જિલ્લાની જેતપુર એડિશનલ સેશન્સ કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાને શરતી જામીન મંજૂર કર્યા છે. વિશ્વાસઘાત અને છેતરપિંડીના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા ગજેરાને કોર્ટે રૂૂ. 20,000ના બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
તે જેતપુરના મોટા ગુંદાળા ગામનો રહેવાસી છે.આ સમગ્ર મામલો જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પર આધારિત છે. ફરિયાદ મુજબ, ભાવિન ગજેરાએ ફરિયાદી પાસેથી આશરે રૂૂ. 3,60,000 મેળવ્યા હતા, પરંતુ તેના પર કોઈ વળતર કે મુદલ રકમ પરત ન કરી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ હતો.
આરોપી ભાવિન ગજેરા સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તે ટેવવાળો ગુનેગાર છે, જેથી તેને જામીન ન આપવા જોઈએ.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, 9માં એડિશનલ સેશન્સ જજ રાજેશ સુરેશચંદ્ર પુરાણીએ મહત્વનો નિર્ણય આપ્યો.
તેમણે અવલોકન કર્યું કે માત્ર ભૂતકાળના ગુનાઓના આધારે કોઈ વ્યક્તિને જામીનના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી અને કેસની ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગી શકે તેમ હોવાથી, કોર્ટે તેને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો.
કોર્ટે ભાવિન ગજેરાને જામીન પર મુક્ત કરવા માટે કેટલીક શરતો પણ મૂકી છે. આ શરતોમાં સાક્ષીઓને ફોડવા નહીં કે ધાક-ધમકી આપવી નહીં, કોર્ટની મંજૂરી વગર ગુજરાત રાજ્યની હદ છોડવી નહીં, પોતાનું કાયમી સરનામું દસ્તાવેજી પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરવું, ફરીવાર આવો કોઈ ગુનો આચરવો નહીં અને જો પાસપોર્ટ હોય તો કોર્ટમાં જમા કરાવવો વગેરેનો સમાવેશ થાય છે.
