શહેરના જામનગર રોડ સપના ક્લિનિકની સામે ઈશ્વરિયા ગામે રહેતી પરિણીતાએ લાલચુ સાસુ અને પતિની વારંવાર દહેજની માગણી અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.શહેરના જામનગર રોડ પર સપના કિલનિકની સામે ઈશ્વરિયા ગામ મેઇન રોડ નજીક રહેતા પ્રવિણાબેન વિજયભાઈ મુછડિયા(ઉં.વ.36) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ વિજય કાનજીભાઈ મુછડિયા અને સાસુ શાંતુબેન કાનજીભાઈ મુછડિયાના નામ આપ્યા છે.
પ્રવિણાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના લગ્ન સાત વર્ષ પહેલાં વિજયભાઈ મુછડિયા સાથે થયા છે. જેનાથી તેણીને બે સંતાન છે. લગ્ન બાદ થોડા સમય સુધી સઘળું સરખું રહ્યું બાદમાં પતિ તેણીને કહેવા લાગ્યો કે, તને તારા માવતરે કાંઈ કરિયાવર આપી નથી. તારા માવતર લુખ્ખા છે. તારા કરતાં બીજી કોઈ સ્ત્રી ઘરમાં લાવી હોત તો અમારું ઘર ભરાઈ જાત. તેમ કહી દહેજની માગણી કરવા લાગ્યા હતા. જે બાદ તેણી અવારનવાર રિસામણે જતી રહેતી હોય બાદમાં ઘર ચલાવવું હોવાથી ફરી સમાધાન કરી ઘરે પરત આવી જતી હતી.
ત્યારબાદ તેણીએ દીકરીને જન્મ આપ્યો હોય જે બાબતે સાસુ કહેતા કે, તારા ઘરે દીકરીનો જન્મ થયો પણ તારા માવતરે તને કંઈ જ દહેજ આપ્યું નથી. પતિ પણ દારૂૂ પીને સાસુની ચઢામણીથી તેની સાથે મારકૂટ કરતો હતો. જેથી તેણી તેના માવતરેથી રૂૂ.1 લાખ લઈ આવી હતી. બાદમાં સાસુ અને પતિ બંને સારી રીતે રાખવા લાગ્યા જે બાદ ઘરે દીકરાનો જન્મ થતાં જ ફરી તેઓ દહેજ લઈ આવવા બાબતે દબાણ કરવા લાગ્યા હતા.
ઘણી વખત તો સંતાનોની સ્કૂલ ફીના પૈસા પણ તેના માવતરના ઘરેથી આવતા હતા. જે પૈસા વધતા તે સાસુ અને પતિ રાખી લેતા હોય તેણી પૈસા આપતી તો જ તેણીને ઘરમાં રહેવા દેતા બાકી સંતાનો સહિત ઘરની બહાર કાઢી મૂકતા હતા. સાસુ તો પતિને એમ પણ કહેતી કે, તું એને ઘરમાંથી કાઢી મૂક તને હું બીજે લગ્ન કરાવી દઈશ. જેથી તેના પતિ દારૂૂ પીને તેની અને તેની દીકરી સાથે મારકૂટ કરતા હતા. ગત તા.15ના તે તેની દીકરી સાથે પ્રસંગમાંથી આવી ત્યારે ઘરને તાળું લગાવેલું હતું અને અંદરથી સાસુએ કહ્યું કે, માવતરથી દહેજ લઈ આવ તો જ ઘરમાં પગ મૂકજે. જે બાબતે નજીકમાં જ મોટરસાઇકલ લઈને આંટા ફેરા કરતા પતિને પૂછતા તેણે તેને બે ફડાકા મારી દીધા હતા.જેથી કંટાળીને તેણીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા દીકરીએ 108ને જાણ કરી હતી. જે મામલે મહિલાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.
