ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ લાવવામાં આવેલા સુચીત રેન્ટ એકટ બીલ 2026 સામે રાજ્યભરના વકીલોમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. જે બીલ પરત ખેંચવા અને બીલમાં સુધારા કરવાની માંગ સાથે વકીલોએ આંદોલનનું રણશીગુ ફૂક્યુ હતું. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત વિધેયક બિલના વિરોધને લયને હડતાલનું એલાન કરવામાં આવ્યુ હતુું. જેને રાજ્યભરના તમામ બાર એસો. અને વકીલ મંડળોએ સમર્થન આપ્યુ હતું. રાજ્યભરની અદાલતોમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી હડતાલને પગલે સરકાર દ્વારા વકીલો સાથે બેઠક યોજી વાટાઘાટો કરવામાં આવ્યો હતો. જેમાં ભાડા વિધેયકમાં જરૂરી સુધારા કરવા પાંચ સભ્યોની કમિટી રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ભાડૂઆત મિલકત સબંધીત સત્તા જ્યુડિશીયલ ઓર્થોરેટી પાસે જ રહેશે. તે અંગે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવતા છ દિવસથી ચાલી રહેલી વકીલની હડતાલનો અંત આવ્યો છે.
રાજ્યભરમાં અત્યાર સુધી જૂના કાયદા હેઠળ મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે થતા તકરાર કે, વિવાદના તમામ દાવાઓ સ્મોલ કોઝીઝ કોર્ટમાં દાખલ થતાં હતા. તેમજ તેની કાનુની કાર્યવાહી તાલીમબધ્ધ ન્યાયાધીશો સમક્ષ યોગ્ય રીતે ચલાવવામાં આવતી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા સૂચિત રેન્ટ એક્ટ બિલ 2026માં તૈયાર કરાયેલા નવા કાયદાના ડ્રાફટમાં આ સત્તા સ્મોલ કોઝીઝ કોર્ટ પાસેથી આંચકી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર તેમજ ડેપ્યુટી કલેક્ટર જેવા વહીવટી અધિકારીઓને સુપ્રત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે વિવાદાસ્પદ જોગવાઇ સામે રાજ્યભરના વકીલોમાં નારાજગી ફેલાઇ હતી અને સરકારના નિર્ણય સામે રોષ ભભૂકયો હતો.
રાજ્યભરના વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તાકીદના ધોરણે બેઠક બોલાવામાં આવી હતી અને સરકાર દ્વારા લાવવામાં આવેલ ગુજરાત વિધેયક બિલ સરકાર પાછુ ખેચે તેવી માંગ સાથે ઠરાવ પસાર કરી રાજ્યભરની અદાલતોમાં વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહી હડતાલનું એલાન કર્યુ હતું. જેના પગલે હાઇકોર્ટ સહિત રાજ્યભરની તમામ અદાલતોમાં પણ બાર એસો. દ્વારા ઠરાવ પસાર કરી ગુજરાત વિધેયક બિલના વિરોધમાં હડતાલનું રણશીંગુ ફૂકી દેવામાં આવ્યુ હતું. રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી વકિલોની હડતાલના પગલે કાનુની કાર્યવાહી ઠપ્પ થઇ ગઇ હતી. જે અંગે હાઇકોર્ટ દ્વારા પણ નારાજગી વ્યકત કરવામાં આવી હતી. હાઇકોર્ટે નારાજગી વ્યકત કરતા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા રેન્ટ બિલને ગર્વનરની સહી માટે નહીં મોકલવા અને ભાડા વિધેયક મુળ સ્વરૂપે પાછુ લાવવા ખાતરી આપવામાં આવી હતી.
ગુજરાત વિધેયક બિલ મુદ્દે રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાલના પગલે ગઇકાલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના તમામ સભ્યો અમદાવાદ બાર એસો. અને અમદાવા સ્મોલ કોઝ કોર્ટ બાર એસો.ના પ્રમુખ, હોદ્દેદારો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી મુખ્ય સરકારી વકીલ ગુરુચરણ શિર્ક, કાયદા વિભાગના સચીવ યુુ.એમ.ભટ્ટ, મહેસુલ અને ગૃહ સચીવ સાથે બેઠક યોજાય હતી. જેમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક 2026 સંદર્ભેે છેલ્લા પાંચ દિવસથી ચાલતી હડતાલ સંબંધે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
જેમાં સરકાર તરફથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, અમદાવાદ બાર એસો. અને અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસો.ના સભ્યોની કમિટી રચના કરવાની સુચવવામાં આવ્યુ હતું. નવા ગુજરાત ભાડા વિધેયક 2026માં જ્યુડિશીયરી પાસેથી સત્તા લયને એક્ઝીકયુટીવને આપી દેવાનો જે સુધારા હતો તે રદ કરવાનુ અને કોર્ટ તથા જ્યુડિશીયરી પાસે જ આ સત્તા રહેશે. તેવુ સરકાર દ્વારા આશ્ર્વાસન આપવામાં આવ્યુ હતું. આ ઉપરાંત એડવોકેટ પ્રોટેક્શન એકટ અને નોટરીઓને ટીકિટ આપવા માટેના વિવિધ પ્રશ્ર્નો સંબંધે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેનું સુખદ સમાધાન આવવાની આશા સાથે વકીલો દ્વારા હડતાલ સમેટી લેવામાં આવી હતી અને ફરીથી કોર્ટ કાર્યવાહીમાં જોડાઇ જશે. તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પાંચ સભ્યની કમિટી માટે કાલે બેઠક
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક બીલ 2026 સામે વકીલોમાં રોષ ભભૂકયો હતો અને વકીલો દ્વારા છેલ્લા પાંચ દિવસથી હડતાલ પાડી કોર્ટ કાર્યવાહથી અલીપ્ત રહ્યા હતા. જેને પગલે ગઇકાલે સરકાર અને વકીલ મંડળો વચ્ચે મળેલી બેઠકમાં સુખદ સમાધાન થતાં હડતાલનો અંત આવ્યો હતો. ગુજરાત વિધેયક બીલ મુદ્દે પાંચ સભ્યોની કમિટી રચવાનો બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જેમાં આવતીકાલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, અમદાવાદ બાર એસો. અને અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસો.ના સભ્યોની બેઠક મળશે. જેમાં બંને બાર એસો. અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તથા અન્ય સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવશે.
