રાજકોટ અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં સાયલાના વખતપર ગામે રહેતા મુળ રાજસ્થાના આધેડ ચોટીલા પાસે રોડ પર કામ કરતા હતાં ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ રાજસ્થાનના વતની અને હાલ સાયલા તાલુકાના વખતપર ગામે રહેતાં જીવાભાઈ હિતાભાઈ ખરાડી (ઉ.55) ચોટીલા નજીક રોડ પર કામ કરતાં હતાં ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા ડમ્પરના ચાલકે આધેડને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડ મુળ રાજસ્થાનના વતની હતી અને ત્રણ ભાઈમાં મોટા હતાં તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
