કોડીનાર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ત્રણના મોત

કોડીનાર-સોમનાથ નેશનલ હાઇવે પર પ્રાંસલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં માછલી ભરેલી એક આઇશર અને બોલેરો પિકઅપ વચ્ચેના…

કોડીનાર-સોમનાથ નેશનલ હાઇવે પર પ્રાંસલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં માછલી ભરેલી એક આઇશર અને બોલેરો પિકઅપ વચ્ચેના અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, વેરાવળ જઈ રહેલી માછલી ભરેલી આઇશર મીની ટ્રક GJ 32 T 4405 નું ટાયર પંચર થતાં તે કોડીનાર-સોમનાથ નેશનલ હાઈવે પર બંધ હાલતમાં ઉભી હતી. આઇશરના ડ્રાઈવર હુસેનભાઇ મહમદભાઈ મલેક (રહે. વેરાવળ), ક્લીનર ગોપાલભાઈ, અને મદદ માટે આવેલા અન્ય આઇશર ચાલક રફિકભાઈ ચાંદભાઈ ભાદરકા ત્રણેય વ્યક્તિઓ ટાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન, પાછળથી પૂરઝડપે આવી રહેલી અન્ય માછલી ભરેલી બોલેરો પિકઅપ GJ 32 T 8057 બંધ પડેલી આઇશરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

આ કરુણ અકસ્માતમાં ટાયર બદલી રહેલા હુસેનભાઇ મહમદભાઈ મલેક અને બોલેરોના ચાલક રાજુભાઈ બાલુભાઈ પરમાર (રહે. નાથળ, તા. ઉના નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હુસેનભાઇની મદદમાં રહેલા રફિકભાઈ ચાંદભાઈ ભાદરકા અને આઇશરના ક્લીનર ગોપાલભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વેરાવળની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન રફિકભાઈ ચાંદભાઈ ભાદરકાનું પણ મૃત્યુ થતાં આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને ત્રણ થયો છે. આઇશરના ક્લીનર ગોપાલભાઈ હાલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *