શહેરના માધાપર ચોકડી પાસેના વિસ્તારમાં રહેતો પરિવાર સમી સાંજે પોતાના બાઈકમાં લગ્નપ્રસંગ જતા હતા. ત્યારે ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લેતા દંપતિ અને તેની પુત્રી જમીન પર ફંગોળાઈ ગયા હતા. જેમાં પત્નીને ગંભીર ઈજા પહોંચવાથી ઘટના સ્થળે મોત નિપજયું હતું જયારે ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવના પગલે ગાંધી ગ્રામ પોલીસનો સ્ટાફ દોડી જઈ જરૂૂરી કાર્યવાહી કરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના માધાપર ચોકડી પાસે આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા કેતનભાઈ બાબુભાઈ ભટ્ટી, તેના પત્ની ઉસ્માબેન અને પુત્રી મિસરી (ઉ.વ.13) ગઈકાલે સમીસાંજે ઘરેથી કૌટુંબિકના લગ્નપ્રસંગમાં જવા ઘરેથી બાઈકમાં નિકળ્યા હતા દરમ્યાન માયાપર ચોકડી નજીક બ્રીજ પાસે પહોંચતા માંતેલા સાંઢ બની નીકળેલા ટ્રકે બાઈકને ઠોકર મારતા દંપતિ અને પુત્રી રોડ પર બાઈક સહિત ફંગોળાઈ ગયા હતા.
જેમાં ઉસ્માબેનને ગંભીર ઈજા પહોંચવાથી ઘટના સ્થળે જ મોત નિપજયું હતું જયારે પતિ કેતનભાઈ અને પુત્રી મિસરીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.બનાવના પગલે બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. જયારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ફરાર થઈ ચુકયો હતો. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સટેબલ મયુરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી જઈ પરિવારના સભ્યોનું નિવેદન નોંધી અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
