સાધુ વાસવાણી રોડ પર ધારેશ્ર્વર ડેરી આગમાં ભસ્મિભૂત : લાખોનું નુકસાન

શહેરના સાધુવાસવાણી રોડ પર શ્યામલ વાટીકા પાસે આલાપ ગ્રીન સીટી નજીક આવેલી ધારેશ્ર્વર ડેરીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા…

શહેરના સાધુવાસવાણી રોડ પર શ્યામલ વાટીકા પાસે આલાપ ગ્રીન સીટી નજીક આવેલી ધારેશ્ર્વર ડેરીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા હતાં. ધુમાડાના ગોટેગોટાથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની બે ટીમોએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ અડધી કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ડેરીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ જતાં સંપૂર્ણ ડેરી આગમાં ભસ્મિભૂત થઈ ગઈ હતી અને અંદાજે 20 થી 25 લાખનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વટીક્સ એપાર્ટમેન્ટ નીચેના ભાગે આવેલી ધારેશ્વર ડેરીમાં સવારે સાડા છ વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. સવારે ડેરી માલીક ચિરાગભાઈ દુકાને આવી શટર ખોલતાં અંદરથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતાં અને જોત જોતામાં આગ પ્રસરી ગઈ હતી. આગને પગલે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આ અંગે ચિરાગભાઈએ ફાયરબ્રિગેડમાં જાણ કરતાં કાલાવડ રોડ ફાયર સ્ટેશનેથી બે ફાયર ફાઈટર સાથે સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો. અને આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધુ હોઇ અડધાથી પોણા કલાક સુધી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુઝાવી નાંખી હતી.

આગને કારણે કોઇ જાનહાની થઇ નથી. આગમાં ડેરીનું તમામ ફર્નિચર, કાઉન્ટર, 4 મોટા ફ્રીઝ, એક નાનુ ફ્રીઝ, મીઠાઇ-ફરસાણ-દૂધ સહિત બળી ગયું હતું. દૂકાનના માલિક મનસુખભાઇ કાનજીભાઇ વાંસજાળીયા હાજર હતાં.

દુકાન માલિકે જણાવ્યું હતું કે આગને કારણે 20 થી 25 લાખનું નુકસાન થયું છે. શોર્ટ સરકીટને કારણે આગ લાગ્યાની પ્રાથમિક શક્યતા છે. પોલીસ દ્વારા એફએસએલની મદદથી આગનું કારણ જાણવા તપાસ કરવામાં આવશે. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ ડેરીમાં ભભૂકેલી આગને કારણે આસપાસની દૂકાનોના શટરમાં પણ ધૂમાડા ઘુસી ગયા હોઇ આ દૂકાનોના શટરો પણ ઉંચા કરી તપાસ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *