શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જગન્નાથ પ્લોટ શેરી નં. રમાં રહેતા અને નવલનગરમાં ચંદ્રમૌલી એપાર્ટમેન્ટમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી. નામની ખેતી પ્રોડક્ટ લે-વેચની કંપની ધરાવતા પ્રશાંતભાઈ કાનાબાર (ઉ.વ. 32) સાથે હળદરના ખેતીના પ્રોજેક્ટની લાલચ આપી રૂૂા.194 કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં ક્રાઈમ બ્રાંચે બે આરોપીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા કમલેશ મહાદેવરાવ ઓઝે (રહે. ઓઝોન વેલી, પારસીકનગર, કાળવા, થાણે, મહારાષ્ટ્ર) અને અવિનાશ બબન સાંગલે (રહે. લોધા, કાસા ઈકોપોલીસ, માનપોલી, ભાંડુપ, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બન્ને આરોપીઓને મહારાષ્ટ્રથી પકડી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વેપારી પ્રશાંતભાઈએ આ મામલે કુલ 19 આરોપીઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે આરોપીઓએ હળદરના ખેતીના પ્રોજેક્ટની લાલચ આપી યુ-ટ્યુબમાં લોભામણાં વીડિયો બતાવી હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવવા 54 એકર જમીનના કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ કરી રૂૂા.64.80 કરોડનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં પોલી હાઉસ ઉભું નહીં કરી એગ્રીમેન્ટ મુજબ દર વર્ષે 6 વર્ષ સુધી પાકતી મુદતે રૂૂા.64.80 કરોડ કે જે જાન્યુઆરી-2023માં આપવાના હતા તે આપ્યા ન હતાં. એટલું જ નહીં ઉઘરાણી કરતાં આરોપીઓએ ખોટા વાયદાઓ કરી તમારા લેણા નીકળતા રૂૂપિયા ચૂકવી આપશું તેમ કહી 2023,24 અને 25 મળી 3 વર્ષના એગ્રીમેન્ટ મુજબ ચુકવવાની થતી રૂૂા. 194 કરોડની રકમ નહીં આપી તેના રૂૂા.64.80 કરોડ ઓળવી જઇ છેતરપિંડી આચરી હતી.
