જસદણના સાણથલી ગામે પત્નીની પ્રસુતિ વખતે કામમાં મદદ માટે આવેલી સગીર વયની સાળીને પ્રેમ સંબંધોમાં લપેટી અઢી માસ સુધી સોમનાથ ખાતે ભગાડી જઇ દુષ્કર્મના ગુનામાં પકડાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ જસદણના સાણથલી ગામે રહેતા લલિત કાળુભાઈ માટીયાની પત્નીને પુત્રીનો જન્મ થતા ઘેર કામકાજ માટે સગીર વયની સાળી તેની બહેનને ત્યાં કામ કરવા રોકાવા ગયેલ હતી ત્યારે બનેવી લલિત માટીયા સગીરા સાથે અવારનવાર મસ્તી મજાક કરતો હતો, ત્યાર બાદ સગીરા પોતાના ઘરે આવી ગયા બાદ પણ તેણીને ફોન કરી પ્રેમજાળમાં ફસાવીને પોતાની સાળી સગીર વયની હોવાનું જાણવા છતાં કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ અઢી માસ જેટલો સમય સોમનાથ ખાતે ભાડાના મકાનમાં રોકાયેલ તે દરમિયાન સગીરા સાથે ત્રણ વાર શારીરિક સંબંધ બાંધેલ અને ગુનો કરેલ હોય જે મુજબની તા. 22/ 5/ 2025ના રોજ બીએનએસ કલમ 137( 2) 87, 64 (2) એમ તથા જાતીય ગુનામાં બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ 4 અને 6 મુજબની ફરિયાદ થઇ હતી.
આ કામમાં ભોગ બનનાર સગીરા સાથે આરોપી ઝડપાઈ જતા ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ અદાલતની સૂચનાથી આરોપી લલિતને જેલ હવાલે કરાયો હતો. ત્યારબાદ આરોપી લલિત માટીયાએ રેગ્યુલર જામીન ઉપર છૂટવા પોક્સો કોર્ટમાં જામીન અરજી કરી હતી. અરજીમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ હાજર થઈ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેમાં ભોગ બનનાર સગીરાનું બી.એન.એસ. કલમ 183 મુજબનું નિવેદન લેવડાવેલું અને સદરહુ ગુનાની તપાસ ચાલુ હોય, અને બનનાર સગીર વયના હોય અને સાળી- બનેવીના સંબંધને શરમાવે તેવું કૃત્ય અરજદારે આચર્યું હોઇ, જેથી જામીન અરજી નામંજૂર કરવા સરકારી વકીલ બિનલબેન અશોકભાઈ રવેશીયાએ કોર્ટ સમક્ષ દલીલો કરી હતી, જે ધ્યાને લઇ કોર્ટે આરોપી લલિત કાળુભાઈ માટીયાની જમીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
