વોર્ડ નં. 4 માં ડીપી રોડ કપાતમાં આવતી મિલકતોને અપાયેલ મુદત પૂર્ણ થતાં અસરગ્રસ્તોમાં નારાજગી
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીપી કપાતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના સંદર્ભમાં શનિવારે સમગ્ર વિસ્તારમાં સર્વે અને માર્કિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.જે પૈકી નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ભરતસિંહ કેસરીસિંહ જાડેજા નામના નિવૃત્ત પોલીસ કર્મી 68 વર્ષના બુઝુર્ગ કે જેઓ એકલવાયું જીવન જીવે છે, અને તેમનું મકાન પણ કપાતમાં આવી જાય છે.
ગઈકાલે શનિવારે મહાનગરપાલિકાની ટીમ તેમના ઘરે નોટિસ આપી આવી હતી, અને માર્કિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓને ગભરામણ થવા લાગી હતી, અને તેઓનું એકાએક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જેથી આસપાસના સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ છે. જામનગર શહેર ના વોર્ડ નંબર 4 માં ડીપી કપાત અન્વયે માર્કિંગ કામગીરી શરૂૂ કરી દેવા માં આવી છે. પહેલા બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ ગઈકાલે મહા નગરપાલિકા દ્વારા સોમવાર સુધીમાં મકાન ખાલી કરી દેવા સૂચના આપવામાં આવતાં અસરગ્રસ્તો માં નારાજગી ફેલાઈ છે.
જામનગરમાં ગાંધીનગર થી સ્વામિનારાયણ નગર સુધી ડીપી કપાત ની કામગીરી કરવામાં આવનાર છે. છેલ્લા કેટલાક દિવસથી આ માટે મકાન માં માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. અને થોડા દિવસ પહેલા કપાતમાં જતા મકાન માલિકોને 15 દિવસની મહેલત આપવામાં આવી હતી. પરંતુ ગઈકાલે શનિવારે મહાનગરપાલિકાની ટીમ વોર્ડ નંબર 4 માં પહોંચી હતી અને તમામ મિલકત ધારકોને સોમવાર સુધીમાં પોતાની જગ્યા ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવી હતી.
આથી વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અસરગ્રસ્તો ને સાથે રાખીને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, અને કોર્ટ માં દાદા માગી હોય આથી 24 જૂન સુધી પાડતોડ નહીં કરવા રજૂઆતો કરી હતી. કારણ કે અમારા મકાન કોઈ નદીના પટ માં દબાણ કરેલા મકાન નથી. અને રિવરફ્રન્ટમાં પણ આ મકાન આવતા નથી. આ મકાન માં લોકો 40 થી 45 વર્ષથી વસવાટ કરે છે. હવે તમામની નજર આવતી કાલ સોમવાર ઉપર ટકી છે. કે કોર્પોરેશન શું પગલા ભરે છે.
