શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કાલાવડ રોડ ઉપર વડવાજડી પાસે બે બાઇક સામસામા અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડના વાજડી ગામે રહેતો સુનિલ કનુભાઇ પરમાર (ઉ.વ.21) કારખાનામાંથી છુટીને ઘરે જતો હતો. ત્યારે વડવાજડી ગામ પાસે પહોંચતા ધવલ અરવીંદભાઇ સુરાણી (ઉ.વ.23 રહે. અવધના ઢાળ ગોકુલધામ સોસાયટી રાજકોટ) ના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મેટોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત અન્ય બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ધરમનગરમાં રહેતો અજય ધિરુભાઇ કાવઠીયા (ઉ.વ.33) પોતાના ઘરે પાસે હતો ત્યારે અજાણયા શખ્સોએ ધોકા વડે મારમારતા હુમલામા ધવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો ઉપરોક બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હુમલોખોરોને ઝડપી લેવા યુનિવર્સિટી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
