ખંભાળિયાથી આશરે 12 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે માર્ગ પર વિંજલપર ગામ નજીકથી પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એ.બી. 9934 નંબરની ટોયોટા ગ્લેન્ઝા કારના ચાલકે ગઈકાલે બુધવારે બપોરના સમયે આ માર્ગ પર જી.જે. 11 બી.ડી. 9490 નંબરના પેશન મોટરસાયકલ પર બેસીને આવી રહેલા ભાવેશભાઈ ગાંગાભાઈ મોકરીયા નામના યુવાન સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ મોટરસાયકલ પર ભાવેશભાઈની સાથે જઈ રહેલા તેમના ફોઈના દીકરા રમેશભાઈને પણ ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઈ ગાંગાભાઈ મોકરીયા (ઉ.વ. 48, રહે. યોગેશ્વર નગર – ધરમપુર, ખંભાળિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટોયોટા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એ. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.
પરિણીતાને ત્રાસ
ખંભાળિયામાં બંગલાવાડી શેરી નં. 7 ખાતે રહેતી અને ધનજીભાઈ ગોહેલની પરિણીત પુત્રી મનિષાબેન ઉર્ફે મીતાબેન પંકજકુમાર પાણખાણીયાને તેણીના લગ્નજીવનના બે વર્ષ બાદથી તેણીના રાજકોટ ખાતે રહેતા પતિ પંકજકુમાર ધરમશીભાઈ પાણખાણીયા, સાસુ જસુમતીબેન, સસરા ધરમશીભાઈ વીરજીભાઈ, દેર પિયુષભાઈ અને દેરાણી કિરણબેન પિયુષભાઈ પાણખાણીયા દ્વારા ઘરકામ બાબતે મેણા-ટોણા મારી, બીભત્સ ગાળો કાઢી, ઘરમાંથી કાઢી મુક્યાની તેમજ મારી નાખવા અંગેની ગર્ભિત ધમકી આપવા સબબ અહીંના મહિલા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે પોલીસે પરિણીતાના પતિ સહિત પાંચેય સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
