જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર રવિવારે સવારે નાઘેડી ગામના પાટીયા પાસે વધુ એક ગોજારો અકસ્માત બન્યો હતો. અને ફલ્લા ગામનું એક દંપત્તિ ખંડિત થયું છે. જેમાં બાઈક સવાર ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયા છે, જ્યારે તેમના પત્ની નું અંતરીયાળ મૃત્યુ નિપજ્યું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા નટુભાઈ ધમસાણીયા (ઉંમર વર્ષ 55) કે જેઓ આજે સવારે 6.30 વાગ્યાના અરસામાં પોતાનું જી.જે. 19 બી.એન. 2584 નંબરનું બાઈક લઈને જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ના ચાલકે તેમના બાઇકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પાછળના ભાગે બેઠેલા હંસાબેન નું બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, અને ભારે કરુણ દ્રશ્ય સર્જાયા હતા.
ઉપરાંત બાઈક સવાર નટુભાઈ ને પણ ગંભીર ઈજા થઈ હોવાથી તેઓને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને ત્યાં તેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
આ અકસ્માતના બનાવવાની જાણ થતા પંચકોસી એ. ડિવિઝનના પ્રોબેશનલ પીએસઆઇ એ આર પરમાર પોતાની ટીમ સાથે બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી મૃતક ના કુટુંબી ની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર વાહનચાલક સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
–
