સ્પીડબ્રેકરે વધુ એકનો ભોગ લીધો; ભાયાવદર પાસે બાઇક પરથી પટકાયેલા મહિલા GRDનું મોત

  રાજકોટમાં 10 ફૂટના અંતરે ખડકી દેવાયેલા બે સ્પીડ બ્રેકરના કારણે સર્જાયેલા અકસ્માતમાં પિતરાઈ ભાઈની નજર સામે જ સગીરનું મોત નિપજ્યાની ઘટના હજુ વિસરાય નથી…

 

રાજકોટમાં 10 ફૂટના અંતરે ખડકી દેવાયેલા બે સ્પીડ બ્રેકરના કારણે સર્જાયેલા અકસ્માતમાં પિતરાઈ ભાઈની નજર સામે જ સગીરનું મોત નિપજ્યાની ઘટના હજુ વિસરાય નથી ત્યાં વધુ એક બનાવવામાં સ્પીડ બ્રેકરના કારણે મહિલા જીઆરડીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભાયાવદર પાસે સ્પીડ બ્રેકરના કારણે બાઇક પરથી ઉલળીને નીચે પટકાયેલા મહિલા જીઆરડીનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણામાં રહેતા અને જામકંડોણામાં જ જીઆરડીમાં ફરજ બજાવતા રમાબેન રમેશભાઈ સોલંકી નામના 53 વર્ષના પ્રોઢા બે દિવસ પૂર્વે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ભાયાવદરથી પોતાના જ ગામના બીજલદાસ ગોપાલદાસ પરમારના બાઈક પાછળ બેસી જામકંડોરણા આવતા હતા. ત્યારે ભાયાવદર પાસે અચાનક સ્પીડ બ્રેકર આવતા રમાબેન સોલંકી બાઈક પરથી ઉલળીને નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા રમાબેન સોલંકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમાબેન સોલંકીને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. જામકંડોરણા ખાતે જ જીઆરડીમાં ફરજ બજાવતા હતા. ભાયાવદર ખરીદી કરવા ગયા હતા અને બપોરના સમયે તેમને ફરજ ઉપર જવાનું હતું જેથી જામકંડોરણા આવતા બીજલદાસ પરમારના બાઈક પાછળ બેસીને આવી રહ્યા હતા ત્યારે સ્પીડ બ્રેકરે ભોગ લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાયાવદર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *