અકસ્માત સર્જનાર બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો : મૃતકના પરિવારમાં શોક
મહાનગરપાલિકાની સીટી બસને કારણે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કાલાવડ રોડ કણસાગરા કોલેજ નજીક સીટી બસની ઠોકરે સાઇકલ ચડી જતાં સાઇકલ સવાર મુળ રાજસ્થાનના યુવાનને ઇજાઓ થતાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.જાણવા મળ્યા મુજબ કેકેવી ચોક નજીક કેબલની ઓફિસમાં નોકરી કરતો મુળ રાજસ્થાનનો દુર્ગેશ હેમરાજભાઇ મીણા (ઉ.વ.19) ગઇકાલે સવારે સાઇકલ હંકારીને જતો હતો ત્યારે કાલાવડ રોડ કણસાગરા કોલેજ નજીક સીટી બસના ચાલકે ઉલાળી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન સાંજે તેનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર દુર્ગેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના પિતા હોટલમાં કામ કરે છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ માલવીયાનગર પોલીસમાં કરતાં પીએસઆઇ આર. આર. કોઠીયાએ મૃતકના પિતા હેમરાજભાઇ નારાયણભાઇ મીણા (ઉ.વ.40-રહે. હાલ નંદનવન સોસાયટી, કાલાવડ રોડ, મુળ બામણીયા ચલુમ્બર રાજસ્થાન)ની ફરિયાદ પરથી સીટી બસ જીજે03બીઝેડ-5970ના ચાલક વિરૂૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.