સુરતની કાપડ માર્કેટમાં સતત ત્રીજા દિવસે આગ, 800 દુકાનો ખાખ

કાપડના જથ્થાએ આગ પકડી લેતા વિકરાળ સ્વરૂપ, ફાયર બ્રિગેડના 40 ટેન્કરો દ્વારા મેજર ઓપરેશન ભયાનક આગના કારણે આખું બિલ્ડિંગ ડેમેજ, નજર સામે સર્વસ્વ રાખ થઇ…

કાપડના જથ્થાએ આગ પકડી લેતા વિકરાળ સ્વરૂપ, ફાયર બ્રિગેડના 40 ટેન્કરો દ્વારા મેજર ઓપરેશન

ભયાનક આગના કારણે આખું બિલ્ડિંગ ડેમેજ, નજર સામે સર્વસ્વ રાખ થઇ જતા વેપારીઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા

સુરતની શિવશકતી ટેકસટાઇલ માર્કેટમાં મંગળવારે બપોરબાદ લાગેલી આગ આજે સતત ત્રીજા દિવસે ચાલુ રહેતા માર્કેટમાં રહેલી આગમાં 800થી વધુ દુકાનો ભસ્મીભૂત થઇ જતા વેપારીઓને કરોડો રૂપિયાનુ નુકસાન થવા પામેલ છે. ફાયરબ્રિગેડના કાફલા દ્વારા સતત ત્રણ દિવસથી આગ ઓલવવા પ્રયાસો થઇ રહ્યા છે. 30 કલાકે આગ માંડ કાબૂમાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે અને ટેકસટાઇલ માર્કેટનુ બિલ્ડિંગ જ ડેમેજ થઇ ગયાનુ બહાર આવતા વેપારીઓમાં ભારે ચિંતાની લાગણી ફેલાયેલ છે. નજર સામે દુકાનો સળગતી જોઇ કેટલાટ વેપારીઓ ધુસ્કે ધુસ્કે રોઇ પડયા હતા.

આ ચાર માળની માર્કેટમાં બુધવારે સવારે 24 કલાકથી ઓછા સમયમાં આ બીજી આગ હતી. હવે આ આખી ઈમારત આગની જ્વાળાઓમાંમાં ફેરવાઈ ગઈ છે. આ બિલ્ડીંગમાં 800થી વધુ દુકાનો છે પરંતુ હાલત એવી છે કે ફાયર બ્રિગેડની ટીમ પણ અંદર જઈ શકે તેમ સ્થિતિમાં નથી.

સુરતના શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે. ફાયરના જવાનોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યો છતાં આગ કાબૂમાં આવી રહી નથી. આખી માર્કેટ આગમાં ભસ્મીભૂત થતાં અંદાજે 500 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચીફ ફાયર ઓફિસર બસંત કુમાર પરીખે જણાવ્યું છે કે સતત આગને કારણે બિલ્ડિંગની અંદરનું તાપમાન ખૂબ જ વધી ગયું છે. અંદર ઘણી બધી સામગ્રી છે, જેથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. ગઈ કાલે સવારે 8 વાગ્યે ફરી આગ લાગ્યાનો અમને પહેલો કોલ આવ્યો હતો. હાલમાં અમને બિલ્ડિંગના સ્ટ્રક્ચરની મજબૂતાઈ વિશે ખાતરી નથી. આ કારણે અમે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ અને બહારથી આગ ઓલવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. 40 ફાયર ફાઇટરો આગ ઓલાવવા માટે કામે લગાડયા છે.

સુરતના ચીફ ફાયર અધિકારી બસંત પરીખે જણાવ્યું છેકે, અંદર સાડી સહિતનું સિન્થેટિક મટિરિયલ છે, જે પેટ્રેલ જેવું કામ કરે છે. આગ લાગ્યાને 26 કલાક થઇ ચૂક્યા છે. જેના કારણે અંદર રહેલો કાપડનો જથ્થો લિક્વિડ ફોમમાં પિગળવાની શરૂૂઆત થઇ ગઇ છે. બિલ્ડિંગમાં અમુક જગ્યાએ ક્રેક પણ પડ્યા છે. જેના કારણે ફાયર ફાઇટરોને બહાર બોલાવવામાં આવ્યા છે અને બહારથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આસપાસની ઇન્ડસ્ટ્રીઝની ફાયરની ગાડીઓ પણ બોલાવાઇ છે.

મેયર દક્ષેશભાઈ માવાણી કહ્યું કે અત્યારે મહદ અંશે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. અત્યારે કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તમામ વિગતો મંગાવી છે. ગત રાતથી જ મુખ્યમંત્રી સતત સંપર્કમાં હતા ચિંતા વ્યક્ત કરતા હતા. મે ઝોન પાસે આ બિલ્ડિંગમાં કેટલું ગેરકાયદેસર હતું તેની વિગતો મંગાવી છે. આવનારા સમયમાં આવી કોઈ બિલ્ડિંગમાં ખોટા ડોમ ઊભા કર્યા હશે તો દૂર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *