ગોંડલના અનીડા પાસે અજાણી કારના ચાલકે ઠોકરે લેતા જુની મેંગણી ગામના વૃધ્ધનું મોત નીપજયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવાયો છે. તેમજ અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
વધુ વિગતો અનુસાર કોટડા સાંગાણીના જુની મેંગણી ગામે રહેતા દુર્લભજી ચના કાવાણી (પટેલ) (ઉ.વ.72) ગઇ તા.20ના રોજ બપોરના સમયે પોતાનું બાઇક ચલાવી ગોંડલથી પોતાના ઘરે જતા હતા ત્યારે અનીડા નજીક અજાણી કારના ચાલકે ઠોકરે લેતા તેમને ગંભીર ઇજા થવાથી રાજકોટની હોસ્પીટલે ખસેડાયા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. દુર્લભભાઇ યાત્રાની બસ કાઢતા હતા અને તેમના પેસેન્જરના કામ બાબતે તેઓ ગોંડલના ઉબાળા ગામે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા હતા. તેમને સંતાનમાં બે દીકરા છે.
જયારે બીજી ઘટનામાં રાણાવાવમાં રહેતા કાળુભાઇ કરશનભાઇ કોટા (ઉ.વ.55) ગઇકાલે રાતે પોતાનું બાઇક ચલાવીને રાણાવાવ બસ સ્ટેશન પાસે દહીં લઇને ઘરે આવતા હતા ત્યારે કોઇ બાઇકના ચાલકે ઠોકરે લેતા તેમને માથામાં ઇજા થવાથી તેમનું મોત નીપજયું હતું. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. પોતે ખેતીકામ કરતા હતા.