બેડી ચોકડી પાસે અકસ્માત થયાના નામે ટ્રકચાલકનું અપહરણ કર્યુ, ખિસ્સામાંથી કાંઇ નહીં નીકળતા ગૂગલ પે થી 16 હજાર ટ્રાન્સફર કરાવી લીધા
નામચીન શખ્સનો પોલીસે પીછો કરતા માલિયાસણ પાસે કાર ખાડામાં ઉતરી ગઇ, પૂછપરછ કરતા લૂંટનો ભાંડો ફૂટયો
બેડી ચોકડી પાસેથી બિહારી ટ્રક ડ્રાઇવરને આંતરી અપહરણ કરી મારમારી ગળા પર છરી રાખી 16 હજારની લૂંટ ચલાવવાના બનાવમાં બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ ઘટનામાં પોલીસે આરોપીને સકંજામાં લેતા નવો ઘટસ્ફોટ થયો છે.આ સમગ્ર ઘટનામાં લૂંટ ચલાવી આરોપી પોલીસથી બચવા ભાગ્યો ત્યારે કુવાડવા રોડ માલિયાસણ ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહેલ પોલીસને જોઈ ભાગવા જતાં કારનો ચાલક હેબતાઈ ગયો હતો અને ભાગવા જતા અકસ્માત થયો અને કાર દિવાલ સાથે અથડાઈ હતી.આ ઘટનામાં આરોપી કારની બહાર નીકળી ભાગવા જાય તે પહેલાં પોલીસે પકડી લઈ પૂછતાછ આદરી હતી.આરોપી અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ વિગતો મુજબ,બિહારના અરવાલ વિસ્તારમાં રહેતાં સતેન્દ્રકુમાર જીતન પાલ (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાળા કલરની વર્ના કારમાં આવેલ અજાણ્યાં શખ્સનું નામ આપતાં બી ડિવિઝન પોલીસે લૂંટ, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તેઓ અરિહંત શિપીંગ નામના ટ્રાન્સપોર્ટમાં છેલ્લા દસેક વર્ષથી ટ્રક ડ્રાઈવિંગ કરી ભારતના તમામ રાજ્યોમાં ટ્રક ચલાવે છે. ટ્રાન્સપોર્ટની મેઈન ઓફીસ ગાંધીધામમાં, અમદાવાદ, અને મુંદ્રામાં આવેલ છે.
ગઈકાલે રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ ટ્રાન્સપોર્ટના માલીકે ગાંધીધામથી બાબરા રાધે શ્યામ કોટ નામના જીનીંગ મીલમાં કપાસ ભરવા માટે મોકલેલ હતો. તે ટ્રક લઈ બાબરા જવા માટે રાત્રે નીકળેલ હતો સાડા દસેક વાગ્યાની આસપાસ રાજકોટ પહોચેલ હતો. બેડી સર્કલથી બાયપાસ રસ્તે પુલ પરથી જતો હતો ત્યારે પુલ ઉતરતા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની વર્ના કારે તેમના ટ્રકને ઓવરટેક કરેલ અને ટ્રકની આગળ ઉભી રાખી દિધેલ હતી. જેથી તેને ટ્રક રોકતા કારમાંથી એક ત્રીસ વર્ષની ઉમરનો શખ્સ ઉતરેલ અને ટ્રકના કેબીનમાં ચડી ગયેલ હતો.
ફરીયાદી કઈ વિચારુ તે પહેલા તે કહેવા લાગેલ કે, તે મારી કારમાં નુકસાન કરેલ છે તું મને પૈસા આપ પરંતુ તેમની કારમાં કોઈ નુકસાન કરેલ ના હોય જેથી પૈસા આપવાની મનાઈ કરતા તેણે નેફામાંથી એક છરી કાઢેલ અને ગળા પર રાખી કહેવા લાગેલ કે, ચુપચાપ પૈસા કાઢ નહીતર છરી મારી દઈશ તેમ કહી તેણે મોબાઈલ ફોન છીનવી લીધેલ અને ખીસ્સા ફંફોળવા લાગેલ હતો. પરંતુ ખીસ્સામાંથી પૈસા ના નિકળતા તેણે ફોનમાં ગુગલ પે ખોલી પાસવર્ડ માંગેલ, જેથી તેને પાસવર્ડ આપતા ખાતામાં રૂૂ.16200 રૂૂપિયા હોય જે રૂૂપિયા આપી દેવાનુ જણાવેલ હતું.જેથી ફરીયાદીએ ડરના લીધ હા પાડતાં તેણે ટ્રક સાઈડમાં રખાવી ટ્રકના દરવાજામાં લોક મરાવી ટ્રકની ચાવી અને મોબાઈલ ફોન લઈ તેણે બળજબરીથી તેની કારમાં બેસાડેલ અને માર મારેલ હતો.
બાદ તે ફોન પર કોઈની સાથે વાત કરતો હતો અને કારમાં બેસાડી ત્રીસેક મિનીટ સુધી રાજકોટમાં ફેરવેલ અને ગ્રીનલેન્ડ ચોકડીથી શાપર તરફ જતા રોડ પર નાલા નીચેથી કાર લઈ નાલાથી થોડે દુર એક જગ્યાએ કાર ઉભી રાખેલ હતી. બાદમાં આરોપી ફોન અને ટ્રકની ચાવી સાથે લઈ એક દુકાને ગયેલ અને ફરિયાદીને કારમાં જ બેસી રહેવાનું જણાવેલ હતું. આરોપી જયાં ગયેલ તે દુધની દુકાન હોય તેવું લાગતુ હતું. આરોપીએ ફરિયાદીના ફોન દ્વારા દુકાન પર ક્યુઆર સ્કેન કરી દુકાન વાળા પાસે પૈસા લઈ પરત આવેલ અને ફરીથી તે કારમાં રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ ફેરવેલ હતો. યુવાને આરોપીને ટ્રક વાળી જગ્યાએ મુકી જવાનુ જણાવતા તેણે ઉંધી છરી ખંભા પાસે મારી ફડાકા ઝીંકી દિધેલ હતાં.
બાદમાં આરોપી તેને ટ્રક પાસે લઈ ગયેલ અને ત્યાં પહોંચી ધમકી આપેલ કે, જો આ બાબતે કોઈને વાત કરીશ તો છરી ઝીંકી દઈશ તેમ કહી કારમાં ફરીથી માર મારેલ હતો અને યુવાનને પોતાનો મોબાઈલ ફોન તથા ટ્રકની ચાવી આપી નાશી છૂટ્યો હતો. બાદમાં યુવાને તેમના શેઠને વાત કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ સુધીર રાણેની રાહબરીમાં પીએસઆઇ જે. આર.સોલંકી અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી.
આ ઘટનામા પોલીસે આરોપી ઇમરાન નામના શખ્સને શકંજામા લઇ તજવીજ શરૂ કરી છે તેમજ તેમની પુછપરછ કરતા અગાઉ આરોપી અનેક ગુનામા આવી ચુકયો હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે. તે દરમ્યાન અપહરણ કરી ટ્રક ડ્રાઇવરને મારમારી લૂંટ ચલાવી નાસી છૂટનાર આરોપી કારમાં પોલિસથી બચવા માલિયાસણ ચોકડી તરફ જતો હતો ત્યારે ત્યાં વાહન ચેકીંગમાં રહેલ પોલીસને જોઈ કાર ભગાડતાં હાઈવે પર કાર પરનો કાબૂ ગુમાવતાં કાર સાઈડમાં ઉતરી જઈ દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
રાજકોટમાં પોલીસની ધાક ઓસરી ? ફાયરિંગ, મારામારી, લૂંટ અને ચોરીની ઘટનાઓ વધી
રાજકોટ શહેર પોલીસને તાજેતરમા પોલીસ એન્ડ સેફટી કેટેગરીમા સીલ્વર મેડલ એનાયત થયો છે ત્યારે આપણે જોઇએ તો શહેરમા કેટલાક સમયથી મારામારી જાહેરમા હુમલો કરવાના બનાવ, છેડતી, દુષ્કર્મ, ફાયરીંગ અને ઘરફોડ ચોરીના બનાવો વધતા જઇ રહયા છે ત્યારે પોલીસ દ્વારા કરવામા આવતા રાત્રી પેટ્રોલીંગ સામે સવાલો ઉઠી રહયા છે. સંવેદનશીલ ગણાતા વિસ્તારોમા પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવા લોકોમા માગ ઉઠી રહી છે. તેમજ હાલ પેધી ગયેલા ગુનેગારોને જાણે પોલીસનો કોઇ ડરજ ન હોય તેમ થોડા દિવસ પહેલા જાહેરમા એક યુવાન પર ફાયરીંગ થયુ હતુ જે ઘટનામા પોલીસ પણ ત્યા હાજર હતી તેવુ જાણવા મળી રહયુ છે.
કાર ખાડામાં ઉતરી ગયા બાદ આરોપી ભાગવા જતા પોલીસે પીછો કરી પકડયો
શહેરના બેડી ચોકડી પાસે ગાંધીધામથી બાબરા તરફ ટ્રકમા કપાસ ભરવા જઇ રહેલા બિહારી ટ્રક ચાલકને આંતરી લુંટ ચલાવનાર આરોપી પોતાની કાર લઇ કુવાડવા તરફ ભાગતો હતો ત્યારે પોલીસને જોઇ હેબતાઇ જતા તેમણે ગાડી પુરઝડપે ભગાવી હતી અને કાર માલીયાસીણ નજીક ખાડામા ઉતરી ગઇ હતી. ત્યારબાદ કારમાથી બહાર નીકળી આરોપી ભાગવા જતા તેને પોલીસે સકંજામા લઇ લીધો હતો. આ ઘટનામા આરોપીએ લુંટના ગુનાની કબુલાત આપી હતી.