રાજસ્થાનના કરૌલી જિલ્લામાં કરૌલી-ગંગાપુર રોડ પર રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમા પ લોકો ગંભીર છે મૃતકો મુળ ઇન્દોરના અને હાલ ગુજરાતમાં રહેલા હતા.
કરૌલીમાં બસ અને કાર વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. મંગળવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ખાનગી બસ અને સ્વિફ્ટ ડિઝાયર કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં ઘણાની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેની ગંગાપુર સિટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી હતા. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વડોદરામાં રહેતા હતા.
કરૌલી જિલ્લા હોસ્પિટલ પોલીસ ચોકીના ઈન્ચાર્જ બ્રિજરાજ શર્માએ જણાવ્યું કે ઈન્દોરના રહેવાસી નયન કુમાર દેશમુખ (63) કૈલાદેવીના દર્શન કર્યા બાદ કારમાં ગંગાપુર સિટી જઈ રહ્યા હતા. જ્યારે સાંજે લગભગ 6.46 વાગ્યે, સલેમપુર ગામ નજીક સ્થિત ખાનગી હોસ્ટેલની સામે કરૌલી તરફ આવી રહેલી એક ખાનગી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી.
મૃતકોની ઓળખ નયન દેશમુખ, પ્રીતિ ભટ્ટ, મનસ્વી દેશમુખ, ખુશ દેશમુખ અને અનિતા દેશમુખ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે શરૂૂઆતની સારવાર બાદ 10 લોકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે પાંચને ગંભીર ઈજાઓ સાથે દાખલ કરવામાં આવ્યા છે. તેની ગંગાપુર સિટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોમાં કરૌલી નિવાસી વિનીત સિંઘલ (31), ગંગાપુર શહેરનો રહેવાસી સલીમ (52), સલીમની પત્ની નૂરજહાં (50), કરૌલી નિવાસી શિવરાજ લાલ (44) અને સમય સિંહ (21)નો સમાવેશ થાય છે. માહિતી મળતાં જ કરૌલી જિલ્લા કલેક્ટર નીલભ સક્સેના અને નાયબ પોલીસ અધિક્ષક બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાય ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી છે. આ સાથે જ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.