જીગરે રાજકોટની નગ્માને વઢવાણના મકાને બોલાવી સાઇનાઇડ વાળુ પાણી આપી હત્યા કર્યાનો ઘટસ્ફોટ
ભાઇની હત્યાનો બદલો લેવા જીગરે જ ભૂવાની ત્રણ વર્ષ સુધી ટેક્સી ચલાવી હતી
અમદાવાદ રહેતા તાંત્રિક ભુવા નવલસિંહે સોડિયમ નાઇટ્રેટ પીવડાવી બાર – બાર લોકોની હત્યા કરી નાખવાના ચકચારી કેસમાં આ ભુવાએ તેની રાજકોટના ભગવતીપરામાં રહેતી પ્રેમિકા નગમા મુકાસમને પણ સાઈનાઇડ પીવડાવી ઠંડા કલેજે હત્યા કરી નાખી પત્ની અને સાગરીતોની મદદથી નગમાની લાશના કટકા કરી વાંકાનેરના ધમલપર ગામ નજીક લાશને દાટી દેવાના કિસ્સામાં વાંકાનેર પોલીસે લાશના ટુકડા શોધી કાઢી ભુવા તેમજ તેની પત્ની અને અન્ય બે મળી કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકાના પીએસઆઇ જી.એલ.ઝાલા દ્વારા મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડા તથા તેની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા (રહે.બંને અમદાવાદ) તેમજ કૌટુંબિક સાળો જિગર ભનુભાઈ ગોહિલ અને મૃતક તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા (રહે. ધમલપર-2 કટિંગ વાળા, મેલડી માતાજીના મંદિર પાસે વાંકાનેર વાળા)ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.
મળતી વિગત પ્રમાણે મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજકોટના ભગવતીપરાની રહેવાસી નગમાબેન કાદરભાઈ મુકાસમની હત્યા કરી હતી. કેમ કે, મૃતક યુવતીને તાંત્રિક સાથે પ્રેમસંબંધ હતો. જેથી નગમાએ લગ્ન કરવા માટે થઈને તાંત્રિકને દબાણ કર્યું હતું અને તાંત્રિક નવલસિંહ તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો.
જેથી નવલસિંહ ચાવડા તથા જિગર ભનુભાઈ ગોહિલે નગમાને નવલસિંહ ચાવડાના વઢવાણ ગામે આવેલ મકાને બોલાવી હતી અને ત્યાં નગમાને સાઈનાઇડ પાઉડર પીવડાવીને બેભાન કરી નાખીને હત્યા કરી હતી.ત્યાર બાદ તીક્ષ્ણ હથિયાર વડે તેના શરીરના અલગ અલગ ટુકડા કરવામાં આવ્યા હતા અને તે ટુકડાને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને નવલસિંહ ચાવડાની ગાડીમાં લાશના પોટલાને મૂકીને વઢવાણથી 99કિમિ દૂર વાંકાનેર સુધી લઈ આવ્યા હતા.
ત્યાં શક્તિરાજ ચાવડાએ બતાવેલ જગ્યા ઉપર મૃતક યુવતીની લાશના કટકા મૂકીને લાશ ઉપર મીઠું અને માટી નાખીને લાશને દાટી દેવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કૌટુંબિક સાળા જીગરે ત્રણ વર્ષ સુધી નવલસિંહની ટેક્ષી ચલાવી તેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરી ભુવા નવલસિંહની કારતૂતની હકીકત સરખેજ પોલીસને જણાવી હતી ત્યારબાદ પોલીસે નવલસિંહની પુછપરછ કરતા 12 હત્યા કર્યાનું સામે આવ્યું હતું.ત્યારે આ 12માંથી રાજકોટની યુવતી નગમાંની હત્યામાં જીગર પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે તપાસ શરૂૂ કરી છે.વાંકાનેર પોલીસે હાલ બે શખ્સોને સકંજામાં લઇ પૂછપરછ શરૂૂ કરી છે.
જિગરે સાઈનાઇડ આપ્યું,ભૂવાએ નગ્માંના ટુકડા કર્યા અને ભાણેજ શક્તિરાજે ખાડો ખોદી રાખ્યો,તો
ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે મૃતક નગમાને મૃતક ભુવા નવલસિંહ સાથે પ્રેમ હોય લગ્ન કરવા દબાણ કરતી હોય પરંતુ ભુવો લગ્ન કરવા માંગતો ન હોય કૌટુંબિક સાળા જીગરે વઢવાણ ખાતે બોલાવી સાઈનાઇડ પાવડર પીવડાવી બેભાન કરી મોતને ઘાટ ઉતારી બાદમાં નવલસિંહે તેના ઘરની અગાસી પર જ લાશના ટુકડા કરી કોથળામા પેક કર્યા હતા અને ગાડીમાં વાંકાનેરના ધમલપર ગામે લાવ્યો હતો જ્યાં અગાઉથી ભાણેજ શક્તિરાજ પાસેથી ખાડો ખોદાવી રાખ્યો હોય પત્નીની હાજરીમાં લાશને દાટી દીધી હતી.સાથે જ આરોપીઓએ ધમલપર રેલવે ફાટક પાસે નગમાની લાશ ઉપર નમક માટી નાખી લાશ કોહવાઈ જાય તે માટે પુરાવાનો નાશ કરવા વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું.
