બપોર સુધીમાં 830 બાંધકામોનો કડુસલો, કાલે ખેલ ખતમ

મેગા ડિમાિેલશનની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ વધતા અધિકારીઓને રાહત પ્રથમ દિવસે ગંગેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના દબાણો હટાવાયા: વહેલી સવારથી યુદ્ધના ધોરણે કામગીરી રાજકોટનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં…

મેગા ડિમાિેલશનની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ વધતા અધિકારીઓને રાહત

પ્રથમ દિવસે ગંગેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના દબાણો હટાવાયા: વહેલી સવારથી યુદ્ધના ધોરણે કામગીરી

રાજકોટનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં 1498 ગેરકાયદેસર દબાણો દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આજે સવારે 7.30 વાગ્યાથી 7 ઝોનમાં એક સાથે 42 સ્થળે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી અને મજુરો સહિતના કાફલાએ યુધ્ધના ધોરણે ડિમોલિશનની કામગીરી શરૂ કરતાં બપોર સુધીમાં અડધાથી વધુ એટલે કે 830 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં. સતત વિના વિરામ ચાલતી ડિમોલિશનની કામગીરીના કારણે મોડી રાત સુધીમાં તમામ દબાણો દૂર થવાની શકયતા તંત્ર દ્વારા વ્યકત કરવામાં આવી છે અને સાથોસાથ મેગા ડિમોલિશન દરમિયાન કોઈ જાતનો વિરોધ કે અળચણ ન આવતાં તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

મહાનગરપાલિકાએ આજે વહેલી સવારથી જંગલેશ્ર્વરમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી 1498 ગેરકાયદેસર બાંધકામો ધરાવનાર પરિવારોને સમજાવટથી સ્વૈચ્છાએ ઘરવખરી સાથે મકાન ખાલી કરવાની કવાયત હાથ ધરાઈ હતી. જેના લીધે ગઈકાલે રાત્રી સુધીમાં 600 થી વધુ પરિવારોએ પોતાનો સામાન ભરી ખાલી મકાન ડિમોલિશન માટે સોંપી દીધું હતું. તેમજ અમુક આસામીઓએ જાતે જ બાંધકામ તોડી બારી દરવાજા સહિતની કામની ચીજવસ્તુઓ કાઢી અન્ય સ્થળે સામાનની સાથે મોકલી આપેલ ત્યારબાદ મહાનગરપાલિકાએ અગાઉથી તૈયાર કરેલ 7 ઝોન મુજબના એકશન પ્લાન અંતર્ગત વહેલી સવારથી ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરી હતી. ચુસ્ત બંદોબસ્ત અને પ્લાનીંગ સાથે 64 બુલડોઝર, ટ્રેકટર તથા 1300થી વધુ મજુરો ડિમોલિશનની કામગીરીમાં લાગી જતાં બપોર સુધીમાં ટી.પી.રોડ અને નદીકાંઠા ના 60 ટકાથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં.

ડિમોલિશન દરમિયાન યુધ્ધના ધોરણે મલવો હટાવવાની કામગીરી ટ્રેકટરો દ્વારા નિરંતર ચાલુ રાખવામાં આવેલ જેના લીધે ઝડપથી ડિમોલિશન થયેલ જગ્યા ખાલી થવા લાગી હતી. આજના ડિમોલિશનમાં કોઈ જાતની અળચણ ન આવે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ જેની સામે લોકોએ પણ અગાઉથી મનોમન ડિમોલિશન થશે જ તેવું નક્કી કરી લીધેલ હોય બપોર સુધીની કામગીરીમાં કોઈ જાતની અળચણ ન આવ્યાનું મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. કંટ્રોલ રૂમ ખાતે સતત ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. તેમજ આજે વહેલી સવારે છ વાગ્યાથી મહાનગરપાલિકાના તમામ અધિકારી સહિતનો સ્ટાફ સ્થળ ઉપર હાજર થતાં નિયત સમયે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જંગલેશ્ર્વર ડિમોલિશનની કામગીરી અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે 1498 ગેરકાયદેસર બાંધકામો પૈકી બપોર સુધીમાં 830 થીવધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને હજુ સાંજ સુધી ડિમોલિશનની કામગીરી નિરંતર ચાલુ રહેવાની હોય સાંજ સુધીમાં તમામ બાંધકામોનું ડિમોલિશન થઈ જાય તેવી શકયતા જોવાઈ રહી છે. છતાં સવારથી સતત કામમાં હોવાથી તમામ સ્ટાફ સાંજ સુધીમાં થાકી જાય અને તેના સ્થાને એટલી જ માત્રામાં નવો સ્ટાફ મુકી શકવાની શકયતા ન હોવાથી બાકી રહી ગયેલું ડિમોલીશન આવતીકાલે સવારથી શરૂ કરવામાં આવશે. આજના ડિમોલિશનમાં અસરગ્રસ્તો દ્વારા કોઈ જાતનો વિરોધ થયો નથી જેની સામે તંત્ર દ્વારા પણ લોકોને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી છે. ડિમોલિશન પહેલા નળજોડાણ તેમજ વીજ જોડાણ રદ કર્યા બાદ કોઈ પરિવારનો સામાન કે કોઈ વસ્તુ મકાનમાં રહી જતી નથી તેની ચોક્કસાઈ રાખી ખાલી મકાનની વીડિયોગ્રાફી કર્યા બાદ ડિમોલિશન કરવામાં આવ્યું છે. જેના લીધે એક પણ અસરગ્રસ્તને કોઈ જાતની જાનમાલની નુકસાની થઈ નથી. આજનું ડિમોલિશન શાંતિપૂર્વક થવામાં અસરગ્રસ્તોનો પણ મહત્વનો ફાળો રહ્યો છે તેમ જણાવ્યું હતું.

ગંગેશ્ર્વર મહાદેવનું શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ઉથાપન કરાયું

જંગલેશ્ર્વરમાં ટી.પી.રોડ પર આવતાં 447 દબાણો પૈકી અનેક ધાર્મિક સ્થળો પણ આવતાં હોય ધાર્મિક લાગણી ન દુભાય તે માટે તંત્ર દ્વારા ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. આજે જંગલેશ્ર્વર વિસ્તારમાં ડિમોલીશન દરમિયાન આ વિસ્તારનાં લોકોના આસ્થા સમાન ગંગેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન મહાદેવની શિવલીંગને મંદિર તોડતા પહેલા ભુદેવોના હસ્તે શાસ્ત્રોકત વિધી પ્રમાણે તેનું ઉથ્થાપન કરી ભવ્ય આરતી સાથે અન્ય સ્થળે સ્થાપન કરવામાં આવ્યું હતું. ડિમોલિશન દરમિયાન મંદિર પાસે એકઠા થયેલા ભકતો અને ભુદેવોએ ભવ્ય આરતી સાથે મહાદેવની મુર્તિનું ઉથ્થાપન કરી અન્ય સ્થળે સ્થાપન કરતાં ભકતોમાં આનંદ જોવા મળ્યો હતો. તેમજ ભક્તિસભોર માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ખાલી મંદિરનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.

ડિમોલિશન સમયે મોટું મકાન તૂટી પડયું, દુર્ઘટના સહેજમાં ટળી
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી તંત્ર દ્વારા ડિમોલીશન કાર્યવાહી શરુ થઇ છે. જો કે આ મેગા ડિમોલિશન દરમ્યાન એક મોટી દુર્ઘટના ટળી હતી. આ ડિમોલિશન દરમિયાન, એક મોટું મકાન અચાનક જ ધરાશાયી થયું હતું જેના પગલે આસપાસ રહેલા લોકોમાં અને દબાણ તોડી રહેલા કર્મચારીઓમાં અફરા તફરી મચી ગઇ હતી. આ દુર્ઘટનાના સમયે મકાનના તૂટી જવા થવાથી સ્થળ પર હાજર અધિકારીઓમાં દોડધામ થઇ ગઇ હતી. એક કર્મચારી માંડ માંડ બચ્યો હતો. જો કે, સદનશીબે કોઈ જાનહાની નહીં થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *