રાજકોટ શહેરમાં બદલાતી મોસમ અને વકરી રહેલા રોગચાળાએ એક નિર્દોષ માસૂમનો ભોગ લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ ચોકડી પાસે આવેલા વાવડી વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા રાજનભાઈ ગૌતમની માત્ર આઠ મહિનાની વયની દીકરી શીવાંશીને અચાનક ઝાડા-ઉલટી અને તાવની ગંભીર તકલીફ સર્જાતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા નાની બાળકીની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને સઘન સારવાર શરૂૂ કરવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતા કમનસીબે માસૂમ શીવાંશીનું હોસ્પિટલમાં જ મોત નીપજ્યું હતું.
આ આકસ્મિક અને અત્યંત દુ:ખદ ઘટનાને કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને માતા-પિતાનું રડી રડીને હાલ બેહાલ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજનભાઈને સંતાનમાં કુલ ત્રણ દીકરીઓ છે, જેમાં મૃતક શીવાંશી સૌથી નાની લાડકી હતી. હાલમાં શહેરમાં મોસમી બીમારીઓ અને રોગચાળાનું જોર ભારે વધ્યું છે, જેના કારણે શરદી, તાવ અને ઝાડા-ઉલટીના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે.
