સૌરાષ્ટ્રમાંથી જતાં વાહનચાલકોને ટ્રાફિકમાં મળશે મોટી રાહત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ-અંકલેશ્ર્વર વચ્ચે નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ હવે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ વિશાળ બ્રિજના નિર્માણથી ભરૂૂચ અને અંકલેશ્વર વચ્ચેનો આશરે 30 કિમીનો લાંબો ફેરો ઘટશે, જેનાથી મુસાફરોની 90 મિનિટ બચશે. કુલ 2.2 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ પુલના કારણે હવે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર કાપવામાં 8 થી 10 કલાકનો સમય ઓછો લાગશે. આ આધુનિક બ્રિજ બનાવવા માટે 32 હજાર મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આ બ્રિજ ખાસ છે, કારણ કે તેને પૂર અને ભૂકંપ જેવા કુદરતી સંકટોનો સામનો કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. નર્મદા નદી પર બનેલો આ દેશનો પહેલો એવો બ્રિજ છે જે 8 લેન ધરાવે છે અને આધુનિક એક્સ્ટ્રાડોઝ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યો છે. આ બ્રિજ શરૂ થતાં સૌરાષ્ટ્ર-અમદાવાદથી સુરત-મુંબઈ જતાં વાહન ચાલકોને ટ્રાફીકમાં મોટી રાહત થઈ છે.
