મવડીમાં સરકારી જમીન પર ખડકાયેલા 8 મકાનનો કડુસલો

દબાણયુકત 5 કરોડની 800 ચો.મી જમીન પર બુલડોઝર ફેરવી દેવાયુ: તંત્ર દ્વારા ફેન્સિંગ કરાયું રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં કલેકટર હસ્તકની સરકારી જમીન ઉપર ભૂમાફિયા…

દબાણયુકત 5 કરોડની 800 ચો.મી જમીન પર બુલડોઝર ફેરવી દેવાયુ: તંત્ર દ્વારા ફેન્સિંગ કરાયું

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં કલેકટર હસ્તકની સરકારી જમીન ઉપર ભૂમાફિયા દ્વારા વિવિધ પ્રકારના દબાણ કરવામાં આવ્યા છે. તેની સામે લાલઆંખ કરવામાં આવી છે. આજે મવડીમાં નવા રીંગરોડ નજીક 5 કરોડની સરકારી જમીન પર ખડકાયેલા મકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફરેવી દેવામાં આવ્યુ હતુ.

મળતી વિગત મુજબ પશ્ર્ચિમ મામલતદાર અને સ્ટાફ દ્વારા અને 150 ફૂટ રીંગરોડ પાછળ શનેશ્ર્વરપાર્કની બાજુમાં 82 ફૂટ રોડ પર મવડી સર્વેનંબર 194 પૈકીની 800 ચોરસ મીટર જમીન પર કેટલાક લોકો દ્વારા કાચા-પાકા આઠ જેટલા મકાનો બનાવી અને સરકારી જમીન પર દબાણ ઉભુ કરી કબજો કરવામાં આવ્યો હતો. અનેક વખત નોટીસ આપવા છતા પણ જમીન ખાલી નહીં કરતા તાજેતરમાં આખરી નોટીસ આપી જમીન પરનો કબજો હટાવવા તાકીદ કરવા છતા જમીન ખાલી કરવામાં આવી હતી. જેથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચનાથી પશ્ર્ચિમ મામલતદાર દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે 8 જેટલા મકાન પર બુલડોઝર ફેરવી કડુસલો બોલાવી જમીન ખૂલ્લી કરાવી હતી અને ફરીથી દબાણ ન થાય તે માટે જમીન ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી.

અગાઉ કોર્ટ દ્વારા સરકારી જમીનોના દબાણો હટાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં સર્વે કરતા 300થી વધારે સરકારી જમીનો પર ધાર્મિક, કોર્મશિયલ સહિત રહેણાંક બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી છેલ્લા બે મહિનાથી જિલ્લા કલેકટર દ્વારા સરકારી ખરાબો, ગૌચરની જમીન પરના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કરોડોની સરકારી જમીન અત્યાર સુધીમાં દબાણ મુકત કરાઇ છે.

જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં કલેકટર દ્વારા દબાણ હટાવવાની કડક કાર્યવાહી કરતા દબાણ કરનારઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે, દબાણ હટાવવા સમયે વહિવટી તંત્રના વહિવટી તંત્રના સ્ટાફ અને દબાણકર્તાઓ વચ્ચે ઘર્ષણના દશ્યો પણ સર્જાય રહ્યા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી શરૂ રાખવાના સંકેત વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *