જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કારમાં થઈ રહેલી દેશી દારૂૂની મોટી હેરાફેરી પકડી પાડી છે, અને અંદાજે 700 લીટર જેટલો દેશી દારૂૂનો જથ્થો અને કાર વગેરે સહિત રૂૂપિયા સાડા આઠ લાખની માલમતા સાથે પોરબંદરના એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે દારૂૂ સપ્લાય કરનાર પડાણા ની એક મહિલા તેમજ દારૂૂના રિસીવર પોરબંદર ના એક બુટલેગર સહિત અન્ય ત્રણને ફરારી જાહેર કરાયા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન એક કાર શંકાસ્પદ હાલતમાં જણાતાં તેમને રોકીને કારની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદરથી 700 લીટર જેટલા દેશી દારૂૂનો માતબર જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂૂ કાર અને મોબાઈલ ફોન સહિત રૂૂપિયા સાડા આઠ લાખની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે કાર ચલાવી રહેલા પોરબંદરના વતની કેશુભાઈ રામાભાઈ મોરીની અટકાયત કરી લીધી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દેશી દારૂૂ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામ પાસે ચારણનેશ વિસ્તારમાં રહેતી ડાહીબેન સોરિયા ઉપરાંત રામાભાઇ સોરીયા એ તૈયાર કરીને દારૂૂ સપ્લાય કર્યો હોવાનું જણાવ્યું હતું, જેથી તે બંનેને ફરારી જાહેર કરાયા છે, જ્યારે ઉપરોક્ત દારુ પોરબંદરના બુટલેગર બબુ કરસનભાઈ કટારા એ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેને પણ ફરારી જાહેર કરી ત્રણેય ની શોધખોળ હાથ ધરી છે.
